Uttarkashi Tunnel Rescue: ઉત્તરાખંડના ઉત્તરકાશી સ્થિત સિલ્ક્યારાની સુરંગમાં 41 મજૂરો છેલ્લા 17 દિવસથી ફસાયેલા હતા. ઘણા દિવસો સુધી ચાલેલા બચાવ અભિયાન બાદ કામદારોને બહાર કાઢવામાં આવ્યા છે. આ મજૂરોને એમ્બ્યુલન્સ દ્વારા સીધા આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરોની દેખરેખ હેઠળ તેની સારવાર કરવામાં આવી રહી છે.
સ્ટ્રેચર અને દોરડાની મદદથી મજૂરોને ટનલમાંથી બહાર કઢાયા
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા તમામ કામદારોને 60 મીટર 800 એમએમ પાઇપ દ્વારા કાઢવામાં આવ્યા હતા. NDRFની ટીમોએ સ્ટ્રેચર અને દોરડાની મદદથી તમામ મજૂરોને પાઇપ મારફતે બહાર કાઢ્યા છે. સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન સમાપ્ત થઈ ગયું છે.
25 નવેમ્બરે 48 મીટર ડ્રિલિંગ કર્યા બાદ કાટમાળમાં સળિયા અને પથ્થરો સાથે અથડાવાને કારણે ઓગર મશીનને નુકસાન થયું હતું. આખરે તે તૂટી ગયું હતુ. ત્યારબાદ મશીનના ભાગોને કાટમાળમાંથી બહાર કાઢવામાં ઘણો સમય લાગ્યો હતો. ઓગર મશીનનો ઉપયોગ કરીને ડ્રિલિંગમાં નિષ્ફળતા મળ્યા પછી વર્ટિકલ ડ્રિલીંગ શરૂ કરવામાં આવ્યું હતું.
રેટ માઇનર્સની મદદથી અંતિમ 10 થી 12 મીટરનું ડ્રિલીંગ કરાયુ
ટનલના મેન્યુઅલ ખોદકામ માટે 6 'રેટ માઇનર્સ'ની ટીમને સિલ્ક્યારા બોલાવવામાં આવી હતી. રેટ માઇનર્સ દ્વારા છેલ્લા 10 થી 12 મીટરના મેન્યુઅલ ડ્રિલીંગ પછી અંદર 800 મીમીના વ્યાસવાળા પાઇપ નાખવામાં આવ્યા હતા. જેના દ્વારા કામદારોને બહાર કાઢવાની તૈયારી કરવામાં આવી હતી.
પીએમ મોદીએ બચાવ અભિયાનની સફળતા પર ટ્વિટ કર્યું
સિલ્કિયારા ઓપરેશનમાં સફળતા બાદ પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે 'ઉત્તરકાશીમાં આપણા શ્રમિક ભાઈઓના બચાવ અભિયાનની સફળતા દરેકને ભાવુક કરી દેશે. સુરંગમાં ફસાયેલા મિત્રોને હું કહેવા માંગુ છું કે તમારી હિંમત અને ધૈર્ય દરેકને પ્રેરણા આપે છે. હું તમારા બધાના સારા સ્વાસ્થ્યની કામના કરું છું. ખૂબ જ સંતોષની વાત છે કે લાંબી રાહ જોયા બાદ હવે આપણા આ સાથીઓ તેમના પ્રિયજનોને મળશે. હું આ બચાવ કાર્ય સાથે જોડાયેલા તમામ લોકોની હિંમતને પણ સલામ કરું છું. તેમની બહાદુરી અને સંકલ્પ શક્તિએ આપણા શ્રમિક ભાઇઓને નવું જીવન આપ્યું છે.