નવી દિલ્હી: કોરોના મહામારી સામે લડવા દેશભરમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, દેશમાં અત્યાર સુધી 56 લાખથી વધુ લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવી છે. રસીકરણ બાદ કોઈ ગંભીર અસર કે મોત થવાનો કેસ હજુ સુધી સામે આવ્યો નથી.


આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ મનોહર અગનાનીએ કહ્યું કે, અત્યાર સુધી કુલ 56 લાખ 36 હજાર 868 લોકોને રસી આપવામાં આવી છે. જેમાંથી 52 લાખ 66 હજાર 175 સ્વાસ્થ્યકર્મી અને ત્રણ લાખ 70 હજાર 693 ફ્રન્ટલાઈન કર્મચારી છે. 2 ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ માટે રસીકરણ શરું કરવામાં આવ્યું હતું.

મનોહર અગનાનીએ કહ્યું હતું કે, કો-વિન પર નોંધાયેલા સ્વાસ્થ્યકર્મીઓમાંથી 54.7 ટકાને રસી આપવામાં આવી છે. શનિવારે 2 લાખ 20 હજાર 19 લોકોને રસી આપવામાં આવી હતી.

અગનાનીએ વધુમાં કહ્યું કે, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 20 ફેબ્રુઆરી સુધી તમામ સ્વાસ્થ્યકર્મીઓને પ્રથમ ડોઝ આપવાનું કામ પૂરુ કરવા અને બાકી રહી ગયેલા લોકોને 25 ફેબ્રુઆરી સુધી ડોઝ આપવાનું કહેવામાં આવ્યું છે.