નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે કોવિન ગ્લોબલ કોન્કલેવને સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે કહ્યું, વિશ્વભરના દેશોમાં મહામારીના કારણે જીવ ગુમાવનારા પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. છેલ્લા સેંકડો વર્ષોથી આ પ્રકારની મહામારી જોવા મળી નહોતી. અનુભવ પરથી ખબર પડે છે કે કોઈ પણ રાષ્ટ્ર ગમે તેટલું શક્તિશાળી કેમ ન હોય પણ એકલું આ પ્રકારના પડકારનો સામનો કરી શકત નહીં.
પીએમ મોદીએ આગળ કહ્યું, મહામારીની શરૂઆતથી જ ભારત પોતાના તમામ અનુભવો, સંસાધનો વૈશ્વિક સમુદાયો સાથે શેર કરતું રહ્યું છે. અનેક મજબૂરીઓ છતાં અમે વિશ્વની સાથે વધુને વધુ શેર કરવાની કોશિશ કરી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, કોવિડ-19 મહામારી સામે ટેક્નોલોજી અભિન્ન હિસ્સો છે. સૌભાગ્યની વાત છે કે સોફ્ટવેર એક એવો એરિયા છે, જેમાં કોઈ અડચણ નથી. તેથી ટેકનોલોજીકલ રીતે શક્ય થતાં જ અમે કોવિડ ટ્રેસિંગ અને ટ્રેકિંગ એપને ઓપન સોર્સ બનાવી દીધો. કોરોના સંક્રમણનો સામનો કરવા વેક્સિનેશન જ આશા છે. અમે શરૂઆતથી જ વેક્સિનેશન અભિયાનને ડિજિટલ માધ્યમ સાથે જોડ્યું છે. આપણે તમામ એકસાથે મળીને આગળ વધવું પડશે.
મોદીએ કહ્યું, ભારતીય સંસ્કૃતિ વિશ્વને એક પરિવાર માને છે. આ મહામારીએ અનેક લોકોને આ સત્ય સમજાવ્યું છે. તેથી કોવિડ વેક્સિનેશન માટે અમારો મંચ જેને અમે કોવિન કહીએ છીએ તેને ઓપન સોર્સ બનાવવા તૈયાર કરી રહ્યા છીએ.
શું છે કોવિનનું ફૂલ ફોર્મ અને ખાસિયત
કોવિનનું ફૂલ ફોર્મ કોવિડ વેક્સિન ઈન્ટેલિજેંસ વર્ક છે. કોરોના રસીકરણની શરૂઆત કરવામાં આવી ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી મહિનામાં લોન્ચ કરવામાં આવી હતી. લાભાર્થીની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી વેબસાઇટ છે. એટલું જ નહીં આ વેક્સિનેશન પ્રોસેસ સાથે જોડાયેલા અધિકારી માટે એક અલગ મોબાઇલ એપ્લિકેશન પણ છે.
રજિસ્ટ્રેશન અને વેક્સિન સ્લોટ બુકિંગ
આ એપ પર મોબાઇલના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવની કોઇ પણ વ્યક્તિ કોવિન એપ પર રજિસ્ટ્રેશન સ્લોટ બુક કરાવી શકાય છે. આ ઉપરાંત વેક્સિન લગાવ્યા બાદ વેક્સિનેશન સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકાય છે. કોવિન પ્લેટફોર્મ પર હવે વેક્સિન સર્ટિફિકેટમાં ભૂલ હોય તો સુધારવાનો પણ વિકલ્પ છે.