Video Viral Of Students : શિક્ષિકાને ગુરૂ માનવાની ભારતીય પરંપરા રહી છે. પરંતુ ઉત્તર પ્રદેશના મેરઠમાંથી એક એવી ઘટના સામે આવી રહી છે કે, જેને ગુરૂ-શિષ્યના સંબંધોને તાર તાર કરી નાખ્યા છે. અહીં ક્લાસમાં જ કેટલાક વિદ્યાર્થીઓએ શિક્ષિકાને આઈ લવ યુ કહ્યું હતું. એટલુ ઓછું હોય તેમ આ ઘટનાનો વીડિયો પણ વાયરલ કરી દીધો હતો. આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. 


ઉત્તર પ્રદેશના મેરઠની એક સ્કૂલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં વર્ગમાં વિદ્યાર્થીઓએ ખુલ્લેઆમ પોતાના શિક્ષિકાને પ્રપોઝ કર્યું હતું. એટલું જ નહીં તેની સાથે છેડતી પણ કરવામાં આવી હતી અને અશ્લીલ ટિપ્પણીઓ પણ કરી હતી. આમ છતાંયે જ્યારે શિક્ષિકાએ જવાબ ન આપ્યો તો વિદ્યાર્થીઓએ છેડતીનો વીડિયો વાયરલ કરી દીધો હતો. આ મામલે મહિલા શિક્ષિકા સ્કૂલ મેનેજમેન્ટ અને પોલીસને ફરિયાદ નોંધાવી હતી. હાલમાં વાયરલ વીડિયોના આધારે વિદ્યાર્થીઓ સામે તપાસ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના કૃત્યને કારણે શિક્ષિકા ડિપ્રેશનમાં છે અને હવે તેણે આરોપી વિરુદ્ધ FIR નોંધાવી છે. આ કેસમાં પોલીસે કલમ 354, 500 અને આઈટી એક્ટ 67 હેઠળ કેસ નોંધ્યો છે.


આ મામલો મેરઠના કિથોર પોલીસ સ્ટેશન વિસ્તારની રામ મનોહર લોહિયા ઈન્ટર કોલેજનો છે. અહીં 12મા ધોરણના ત્રણ વિદ્યાર્થીઓએ ઈન્ટર કોલેજની મહિલા શિક્ષિકાની ખુલ્લેઆમ છેડતી કરી હતી. પીડિત શિક્ષિકાએ જણાવ્યું હતું કે, આ વિદ્યાર્થીઓ ક્લાસમાં આઈ લવ યુ કહે છે અને ક્યારેક પ્રાર્થના સભામાં અશ્લીલ ટિપ્પણીઓ કરીને તેમને હેરાન કરે છે.


વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો


શિક્ષિકા વિદ્યાર્થીઓના આ કૃત્યથી ખૂબ જ પરેશાન છે. વિદ્યાર્થીનીઓએ છેડતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરતાં હદ થઈ ગઈ હતી. અગાઉ વર્ગમાં અને હવે સમાજમાં બદનામીના ડરથી શિક્ષિકાએ કાર્યવાહી કરવાનું નક્કી કર્યું હતું. પીડિત યુવતીએ એફઆઈઆર નોંધાવી હતી. એફઆઈઆર મુજબ આરોપી વિદ્યાર્થીઓ લાંબા સમયથી સતત ચીડવતા હતા. તેઓ ક્યારેક કહેતા કે, "હું તને પ્રેમ કરું છું" તો ક્યારેક તે અશ્લીલ ટિપ્પણીઓ કરતા હતાં.


પોલીસ હાથ ધરી કાર્યવાહી


આ વિદ્યાર્થીઓએ છેડતીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાનું વધુ એક કૃત્ય કર્યું છે. આઈટી એક્ટનો પણ ભંગ કરવામાં આવ્યો છે. આ લોકો પર પરવાનગી વગર વીડિયો બનાવવાના કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. જેને લઈને FIR નોધવામાં આવી છે. હવે તેમના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જ વીડિયોની તપાસના આધારે પોલીસ આરોપી વિદ્યાર્થીઓની પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે.


એવું પણ કહેવાય છે કે, આ વિદ્યાર્થીઓને ક્લાસની જ એક છોકરી પણ સપોર્ટ કરે છે. આ વિદ્યાર્થીઓ શિક્ષિકાને ખોટા નામથી બોલાવે છે. વીડિયો રેકોર્ડ કરતી વખતે પણ વિદ્યાર્થીઓ I Love you બોલી રહ્યાં હતાં. વિદ્યાર્થીઓના આ કૃત્યથી શિક્ષિકા માનસિક રીતે પડી ભાંગી છે. જેના કારણે તેના કામ પર પણ અસર પડી છે. તે ડિપ્રેશનમાં સરી પડી છે.