1971 India Pakistan War:  દર વર્ષે 16 ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા ઐતિહાસિક યુદ્ધની યાદમાં વિજય દિવસ મનાવવામાં આવે છે. આજના દિવસે ભારતે દરેક મોરચે પાકિસ્તાનને ધૂળ ચટાવી હતી. ભારત માટે આ ઐતિહાસિક જીત હતી અને પાકિસ્તાન માટે તેના અસ્તિત્વ પછીની સૌથી શરમજનક હાર હતી કેમ કે આ યુધ્ધ દ્વારા ભારતે પાકિસ્તાનના બે ટુકડા કરી નાંખ્યા હતા. પાકિસ્તાનના પૂર્વ પાકિસ્તાનને અલગ કરીને નવા બાંગ્લાદેશ રાષ્ટ્રનું સર્જન ભારતે કરાવ્યું હતું. બાંગ્લાદેશને આઝાદી અપાવનારા ત્રણ ભારતીય ઓફિસરને આજે પણ બાંગ્લાદેશમાં યાદ કરવામાં આવે છે.




સામ માણેકશા


ભારતીય પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી ઈચ્છતા હતા કે 1971માં સેના પાકિસ્તાન પર ચડાઈ કરી દે. જો કે ત્યારે ભારતીય સેનાના અધ્યક્ષ સેમ માનેકશાએ આમ કરવાની મનાઈ કરી દીધી. માણેકશાએ કહ્યુ કે ભારતીય સેના અત્યારે હુમલા માટે તૈયાર નથી. કહેવાય છે કે ઈન્દિરા ગાંધી આનાથી નારાજ પણ થયા પરંતુ માનેકશાએ તેમને પૂછ્યુ કે તમે યુદ્ધ જીતવા ઈચ્છો કે નહિ. ઈન્દિરાએ કહ્યુ હા. આના પર માણેકશાએ કહ્યુ મને 6 મહિનાનો સમય આપો. હું ગેરેન્ટી આપુ છુ કે જીત તમારી થશે.  એક વ્યક્તિ અને સૈન્ય અધિકારી તરીકે તેમનું વ્યક્તિત્વ દમદાર હતું.તેનું જ પરિણામ હતું કે તેઓ રાજકીય લૉબીમાં કોઈના માનીતા નહતા.પણ જે રીતે તેમણે પાકિસ્તાનના બે ટુકડા કરી દીધા, તેને જોતાં તત્કાલિન પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધી પણ તેમને માની ગયા.




જનરલ જગજીત સિંહ અરોરા


જનરલ માણેકશા અને લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંહ અરોરા એવા ભારતીય અધિકારીઓમાં સામેલ છે જેમણે બાંગ્લાદેશને આઝાદી અપાવી હતી. એક ઈન્ટરવ્યુમાં જનરલ માણેકશાએ કહ્યું હતું કે જગજીત સિંહ અરોરાએ 1971માં અસલી કામ કર્યું હતું. પૂર્વ પાકિસ્તાનન આઝાદ કરાવવા માટે શરૂ કરવામાં આવેલા ઓપરેશનનું નેતૃત્વ લેફ્ટિનેંટ જનરલ જગજીત સિંહ અરોરાએ જ કર્યું હતું. સેનાને નાની નાની ટુકડીમાં વિભાજીત કરીને અલગ અલગ રસ્તેથી પાકિસ્તાનની તમામ મહત્વપૂર્ણ પોસ્ટ પર કબજો કરવાની રણનીતિ તેમની હતી. જેના કારણે થોડા જ દિવસમાં ભારતીય સેના ઢાકા પહોંચી ગઈ હતી. 1971ના યુદ્ધનો એક કિસ્સો ઘણો જાણીતો છે. યુદ્ધ ખતમ થયા બાદ પાકિસ્તાની સૈન્ય પ્રમુખ જનરલ નિયાજી જ્યારે લેફ્ટિનેંટ જનરલ જગજીત સિંહ અરોરા સામે સરેંડર કરતા હતા ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા.




 જનરલ જેએફઆર જેકોબ


મેજર જનરલ જેકોબે 1971ના યુદ્ધની વોર ઓફ મૂવમેંટની રણનીતિ બનાવી હતી.  જે અંતર્ગત ભારતીય સેનાને પાકિસ્તાની સેનાના કબજા વાળા શહેરોને છોડીને વૈકલ્પિક રસ્તેથી મોકલવામાં આવી હતી. જેકોબને ભારત જ નહીં બાંગ્લાદેશમાં પણ અનેક સન્માનથી નવાજવામાં આવ્યા હતા. 16 ડિસેમ્બર 1971ના રોજ ફિલ્ડ માર્શલ માણેકશાએ લેફ્ટનન્ટ જનરલ જેકોબને ઢાકા જવા અને પાકિસ્તાનને આત્મ સમર્પણ કરાવાની તૈયારી કરવાનો આદેશ આપ્યો. આ પછી તેઓ શરણાગતિના દસ્તાવેજો સાથે ઢાકા જવા રવાના થયા હતા. તે સમયે પાકિસ્તાનના 26 હજારથી વધારે સૈનિક ઢાકામાં હતા. જ્યારે ભારતના આશરે 3000 સૈનિક હતા. પરંતુ ત્યાં સુધીમાં પાકિસ્તાની સેના હાર સ્વીકારી ચૂકી હતી. જેકોબ ઢાકા પહોંચ્યા અને તેમણે પાકિસ્તાની જનરલ નિયાજીને પોતાની સેનાને આત્મસમર્પણનો આદેશ આપવા કહ્યું હતું. જેકોબ નિયાજીને આત્મસમર્પણના દસ્તાવેજો પર હસ્તાક્ષર માટે અડધા કલાકનો સમય આપ્યો હતો. તેમણે કહ્યું હતું જો દસ્તાવેજ પર હસ્તાક્ષર કરશો તો નિયાજી અને તેમના પરિવારજનોની સુરક્ષા કરીશું. જે બાદ ઢાકાના રેસકોર્સ મેદાન પર જનરલ નિયાજીએ મેજર જનરલ જગજીત સિંહ અરોરા સામે આત્મસમર્પણના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા.


આ પણ વાંચોઃ વિજય દિવસ 2021ઃ 1971ના યુદ્ધના હિરો ફિલ્ડ માર્શલ સામ માણેકશા સામે કેમ પાકિસ્તાની સૈનિકે પાઘડી ઉતારી દીધી હતી ? જાણો રોચક કિસ્સો


પાકિસ્તાન સામે 1971ની ઐતિહાસિક જીતનાં 50 વર્ષ, ભારતે 13 દિવસમાં પાકિસ્તાનને મસળીને બાંગ્લાદેશનું સર્જન કરાવ્યું હતું....


Vijay Diwas 2021: 1971ના ભારત-પાક. યુદ્ધના આ કિસ્સા સાંભળીને આજે પણ પાકિસ્તાન થરથરે છે