નવી દિલ્હીઃ આઠ પોલીસકર્મીના હત્યારા વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ અનેક રહસ્યો પરથી પડદો ઊંચકાઈ રહ્યો છે. હિસ્ટ્રીશીટર વિકાસ દુબેના બેંક ખાતામાંથી પણ વધારે રકમનો ખુલાસો થયો નથી. તેથી દર મહિને કરોડ રૂપિયાની કમાણી કરનારા વિકારના પૈસા ક્યાં ગયા? આ સવાલ દરેકને થઈ રહ્યો છે. આ કારણે ઈડીએ વિકાસ ઉપરાંત તેના ખાસ સાગરિતોના ખાતામાં થયેલા ટ્રાન્ઝેક્શનની તપાસ શરૂ કરી છે.


હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, અત્યાર સુધીની તપાસમાં એજન્સીને મળેલી માહિતી મુજબ વિકાસની દર મહિનાની કમાણી 90 લાખથી 1.20 કરોડ રૂપિયા હતી. ઈડી સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિકાસ વિદેશ પ્રવાસ કે મોંઘીદાટ વસ્તુઓમાં પૈસા નહોતા ઉડાવ્યા. આ વસ્તુઓ ઈડી માટે સોફ્ટ ટાર્ગેટ બની જાય છે અને સરળતાથી પોલ ખુલી જાય છે. પરંતુ વિકાસ દુબે મામલે આવું કંઈ સામે આવ્યું નથી. તે તેની મોટાભાગની રકમ મોજમજામાં ઉડાવતો હતો.

ત્યાં સુધી પહોંચવા ઈડીના અધિકારી વિકાસ દુબેનું ફંડ મેનેજ કરતાં સાઈલેંટ ઈન્વેસ્ટરને શોધી રહ્યા છે. વિકાસની ટીમના મોસ્ટ વોન્ટેડની બેંક ડિટેલ, પ્રોપર્ટી અને રોકાણના રસ્તા શોધવામાં આવી રહ્યા છે. વિકાસના સંપર્કમાં રહેલા દરેક વ્યક્તિની ફાઇલ તૈયાર કરવામાં આવી રહી છે. વિકાસની સાથે જોડાયેલા તમામ કારોબારીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ઈડીના સૂત્રોના જણાવ્યા મુજબ, એક નબળી કડી શોધવામાં આવી રહી છે, બાદમાં તમામ વિગતો બહાર આવશે.

એસટીએફ તેના ફોન અને કોલ ડિટેલ રિપોર્ટની ઝીણવટભરી તપાસમાં લાગી છે. જેમાં જાણકારી મળી છે કે વિકાસ એક ડઝનથી વધારે મંત્રીઓના સંપર્કમાં હતો. આ ઉપરાંત કેટલાક ઉદ્યોગપતિના નંબર પણ મળ્યા છે. જેમાંથી પોલીસને મધ્યપ્રદેશના એક મોટા નેતાનો પણ નંબર મળ્યો છે.