કાનપુર પોલીસના એડીજી પ્રશાંત કુમારે પ્રત્રકાર પરિષદમાં જણાવ્યું કે વિકાસ દુબેને સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તેણે પોલીસ પર જાનથી મારવાની નિયત સાતે ફાયરિંગ કર્યું હતું. બચાવમાં પોલીસે વિકાસ દુબે પર ગોળીઓ ચલાવી. ઉલ્લેખનીય છે કે, વિકાસ દુબેની મધ્યપ્રદેશમાં ધરપકડ કરવામાં આવી હતી. મધ્યપ્રદેશથી તેને કાનપુર લાવામાં આવી રહ્યો હતો. રસ્તામાં પોલીસની ગાડી પલટી ગઈ હતી. આ દરમિયાન તેણે ભાગવાની કોશિશ કરી હતી.
ત્યારબાદ પોલીસે વિકાસને સરેન્ડર કરવા માટે કહ્યું પરંતુ તેણે પોલીસ પર ફાયરિંગ કર્યું. પોલીસે સ્વબચાવ માટે ફાયરિંગ કર્યું જેમાં વિકાસ દુબે ઈજાગ્રસ્ત થયો હતો. ઘાયલ થયા બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેનું મોત થયું હતું. હવે વિકાસ દુબેના કોરોના ટેસ્ટ કર્યા બાદ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી માંગ કરી છે કે કાનપુર કેસની તપાસ સુપ્રીમ કોર્ટના જજ પાસે કરવામાં આવે. તેમણે કહ્યું, 'ઉત્તરપ્રદેશની કાનૂન વ્યવસ્થા ખરાબ થઈ ગઈ છે. રાજનેતા-ગુનેગાર ગઠબંધન પ્રદેશ પર હાવી છે. કાનપુર કાંડમાં આ ગઠબંધનની સાંઠગાંઠ ખુલીને સામે આવી. કોણ કોણ લોકો આ ગુનેગારની પરવરિશમાં સામેલ છે તે સત્ય સામે આવવું જોઈએ. સુપ્રીમ કોર્ટના જજ પાસે સમગ્ર કાંડની ન્યાયિક તપાસ થવી જોઈએ.'