નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી અગાઉ કોગ્રેસ પાર્ટીને એક મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના સીનિયર નેતા મહાબલ મિશ્રાના દીકરા વિનય મિશ્રા આજે આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ ગયા છે. તેમની સાથે અનેક અન્ય નેતાઓ પણ આપમાં સામેલ થયા હતા. જેમાં રામ સિંહ નેતાજી જેવા નામ સામેલ છે. નોંધનીય છે કે મહાબલ મિશ્રા કોગ્રેસને મોટા નેતા છે. તે રાજધાનીની વેસ્ટ દિલ્હી બેઠક પરથી સાંસદ રહ્યા છે. દ્ધારકા વિધાનસભાથી તે ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ અગાઉ 1997માં તે કોર્પોરેટર પણ રહ્યા હતા. જ્યારે વિનય મિશ્રા યુથ કોગ્રેસના નેતા રહ્યા છે. વિનય મિશ્રા 2013માં ધારાસભ્યની ચૂંટણી લડી હતી. તેમણે એનબીએ સુધી અભ્યાસ કર્યો છે. જ્યારે રામસિંહ નેતાજી બે વખત બદરપુર વિધાનસભાથી ધારાસભ્ય રહ્યા છે. તે પોતાની આખી ટીમ સાથે આપમાં સામેલ થયા હતા.
આપ પાર્ટીમાં સામેલ થયા બાદ વિનય મિશ્રાએ કહ્યું હતું કે, તે પૂર્વાચલથી આવે છે અને તેમણે ત્યાંના લોકોને દિલ્હીમાં દુખી થતા જોયા છે. અગાઉ હોસ્પિટલ, સ્કૂલમાં ધક્કા ખાવા પડતા હતા જે હવે ઠીક થઇ ગયું છે. વિનયે કહ્યું કે મફતમાં પાણી, વિજળીથી સ્થિતિમાં સુધારો આવ્યો છે એટલા માટે હું આપ પાર્ટીમાં સામેલ થઇ રહ્યો છું.
આ અવસર પર અન્ય નેતાઓ પણ આપમાં જોડાયા હતા. જેમાં ખેમચંદ ગોયલ, શ્રીવેન્દ્ર નાગર, રાજેશ કુમાર પપ્પી, સંજય પ્રધાન, રતનેશ ભાટી, મૌલાના હારુન, નીરજ ઠાકુર, લલ્લન શર્માના નામ સામેલ છે.