Vinesh Phogat: દેશની જાણીતિ મહિલા કુસ્તિબાજ વિનેશ ફોગાટે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર ગંભીર આરોપ લગાવીને સનસનાટી મચાવી દીધી છે. વિનેશ ફોગાટે બ્રિજ ભુષણ શરણ સિંહ પર અનેક મહિલા ખેલાડીઓનું શારીરિક શોષણ કર્યુ હોવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ દેશના ટોચના કુસ્તીબાજોએ આજે રાજધાની દિલ્હીના જંતર-મંતર મેદાન ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. 


વિનેશની સાથે અન્ય રેસલર્સે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. આ બાબતે કુસ્તીબાજ વિનેશ ફોગાટનું કહેવું હતું કે, જ્યાં સુધી પ્રમુખ બદલાશે નહીં ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે. બ્રિજ ભૂષણ સિંહ ભાજપના સાંસદ પણ છે.


ભારતીય કુસ્તીબાજ અને ઓલિમ્પિયન વિનેશ ફોગાટનું કહેવું છે કે, મહિલા કુસ્તીબાજોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કુસ્તી સંઘના પ્રમુખે મહિલા ખેલાડીઓનું શોષણ કર્યું છે. ફેડરેશન બળજબરીથી ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકે છે જેથી કરીને ખેલાડી રમી ન શકે. જો કોઇપણ ખેલાડીને કંઇક થશે તો તેના માટે રેસલિંગ એસોસિએશનના પ્રમુખ જવાબદાર રહેશે. જંતર-મંતર ખાતે આ વિરોધ પ્રદર્શનમાં ઓલિમ્પિક મેડલ જીતનાર સાક્ષી મલિક અને બજરંગ પુનિયા જેવા ખેલાડીઓ સામેલ થયા હતા. લગભગ બે ડઝન કુસ્તીબાજો હડતાળ પર બેઠા હતા.


બજરંગ પુનિયાએ શું કહ્યું?


ઓલિમ્પિયન કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું હતું કે, તે કુશ્તીને આ પ્રકારના કિચડમાંથી બચાવવા માંગે છે. ખેલાડીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. તેણે કહ્યું હતું કે, એક-બે દિવસ પહેલા નિયમો બનાવવામાં આવે છે જે ખેલાડીઓ પર લાદવામાં આવે છે. એસોસિએશનના પ્રમુખ જ કોચ અને રેફરીની ભૂમિકા ભજવે છે અને ગેરવર્તન કરે છે. એટલું જ નહીં સ્પોન્સર ટાટા મોટર્સ તરફથી પણ કોઈ મદદ ન મળતાં ખેલાડીઓ લાચારી અનુભવી રહ્યાં છે. જો ફરિયાદ કરવામાં આવે ઉલટાની ખેલાડીઓ સામે જ કાર્યવાહી કરવામાં આવે છે.


વિનેશ ફોગાટે શું કહ્યું?


વિનેશ ફોગાટે આરોપ લગાવ્યો હતો કે, ફેડરેશનના વિશેષ કોચ રાષ્ટ્રીય શિબિરમાં મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરે છે. ફરિયાદ બાદ પણ કોઈ કાર્યવાહી થતી નથી. પ્રમુખે અનેક મહિલા ખેલાડીઓનું પણ શોષણ કર્યું છે. લખનૌમાં એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેથી તેઓ તેમના ઘરમાં જ અમારું શોષણ કરી શકે. વિનેશ ફોગાટે તો એવો પણ આરોપ લગાવ્યો હતો કે, તેઓ અમારા અંગત જીવનમાં પણ દખલગીરી કરે છે.


ફોગાટે કહ્યું હતું કે, ટોક્યો ઓલિમ્પિક બાદ મેં પીએમને ફરિયાદ કરી હતી, તેમણે કહ્યું હતું કે, તને કંઈ નહીં થાય પરંતુ ત્યાર બાદ એસોસિએશન મને જ સસ્પેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. મને જીવનું પણ જોખમ છે. ફેડરેશનના આસિસ્ટન્ટ સેક્રેટરી વિનોદ તોમર પાસે કરોડોની સંપત્તિ છે તેની પણ તપાસ થવી જોઈએ. આટલી સંપત્તિ તો ઓલિમ્પિક મેડલ વિજેતા પાસે પણ નથી.


વિનેશ ફોગાટે તો રડતા રડતા કહ્યું હતું કે, ફેડરેશનના અધ્યક્ષે તો મને ખોટો સિક્કો સુદ્ધા ગણાવી દીધી. ફેડરેશને મને માનસિક ત્રાસ આપ્યો. આ ત્રાસ બાદ હું આત્મહત્યા કરવાનું વિચારી રહી હતી.


બ્રિજભૂષણ શરણ સિંહે આપી સ્પષ્ટતા 


કુસ્તીબાજોના આરોપો પર ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ધરણા યોજવામાં આવ્યા હોવાની મને ખબર પડી  હતી, પરંતુ આરોપ શું છે તેની મને કોઈ જ જાણકારી નહોતી, પરંતુ ધરણાની જાણ થતા હું તરત જ ફ્લાઈટ ટિકિટ લઈને આવ્યો છું. વિનેશે જે સૌથી મોટો આરોપ લગાવ્યો છે, શું કોઈ ખેલાડી સામે આવીને એવું કહી શકે કે ફેડરેશને કોઈપણ એથ્લેટને હેરાન કર્યા? આરોપ લગાવવા વાળુ કોઈ હોવું જોઈએ ને.


તેમણે કહ્યું હતું કે, શું તેમને ગત દસ વર્ષથી ફેડરેશનથી કોઈ સમસ્યા નથી? જ્યારે નવા નિયમો અને વિનિયમો લાવવામાં આવે છે ત્યારે જ મુદ્દાઓ સામે આવે છે. કોઈપણ રમતવીરને હેરાન કરવામાં આવ્યા નથી. જો આમ થયું છે, તો હું મારી જાતને ફાંસી લગાવી દઈશ. આ ધરણા પાછળ મોટા માણસનો હાથ છે, મોટા ઉદ્યોગપતિનો હાથ છે, આ ષડયંત્ર છે.