સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટે ચર્ચા જગાવી છે. મેચમેકર અને ડેટિંગ કોચ ઓંડ્રીલા કપૂરે પોતાનો અનુભવ શેર કર્યો, જેમાં વર્ણવ્યું કે કેવી રીતે 37 વર્ષીય છૂટાછેડા લીધેલ IITian બીજા લગ્ન માટે  યુવતી શોધી રહ્યો હતો.

તે પુરુષ બ્રાહ્મણ છે, એક સફળ કંપનીનો ડિરેક્ટર છે અને IIT ગ્રેજ્યુએટ છે. તેના પહેલા લગ્નનો અંત આવી ગયો છે, પરંતુ તે ઇચ્છે છે કે તેની ભાવિ પત્ની 30 વર્ષથી ઓછી ઉંમરની હોય, ક્યારેય લગ્ન ન કર્યા હોવા જોઈએ, રિલેશનશિપમાં ન હોય અને ખાસ કરીને વર્જિન હોય.  વધુમાં, તે બ્રાહ્મણ જાતિની હોવી જોઈએ. તેની શરતો સાંભળીને મહિલાએ તેને ક્લાયન્ટ તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો.

શરત સ્પષ્ટપણે જણાવવામાં આવી હતી

ઓંડ્રીલાએ સમજાવ્યું કે તે પુરુષે સ્પષ્ટપણે કહ્યું, "મને એવી છોકરી જોઈએ છે જેનો કોઈ ભૂતકાળ ન હોય." જ્યારે પૂછવામાં આવ્યું કે તેમનો પોતાનો ભૂતકાળ (છૂટાછેડા) તેને લઈ કેમ વાંધો નથી, ત્યારે તેણે જવાબ આપ્યો "કારણ કે હું એક પુરુષ છું." તેણે કહ્યું મહિલાઓની વફાદારી પર થોડું "રિસર્ચ" છે, પરંતુ નામ નથી આપી શકતો. મેચમેકરે પૂછ્યું, "શું તમને લાગે છે કે તમે જે છોકરીનું વર્ણન કરી રહ્યા છો તેનો પરિવાર 37 વર્ષના છૂટાછેડાવાળા વ્યક્તિને  સ્વીકારશે?" આ સવાલનો  તે માણસ પાસે કોઈ જવાબ નહોતો. પોસ્ટ વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ. 

તે પુરુષે એવી માંગણીઓ કરી કે મેચમેકર તેને ક્લાયન્ટ તરીકે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. આ પોસ્ટ જોઈને, સ્ત્રીઓએ ટિપ્પણી કરી  "પુરુષોનો ભૂતકાળ માફ થઈ જાય છે, પણ સ્ત્રીઓનો નહીં." કેટલાકે મજાક ઉડાવી  "હવે 30 વર્ષથી ઓછી ઉંમરની કુંવારી બ્રાહ્મણ છોકરીઓ પણ આવા સંબંધોથી દૂર રહેશે." આ સ્ટોરી ફક્ત એક વ્યક્તિ વિશે નથી, પરંતુ સમાજમાં ઊંડા મૂળ ધરાવતા રૂઢિચુસ્ત વિચારને ઉજાગર કરે છે. 

આજે પણ, ઘણા પરિવારો અને વ્યક્તિઓ લગ્ન પહેલાં સ્ત્રી પાસેથી "પવિત્રતા" અને "કોઈ પાસ્ટ નહીં" હોવાની અપેક્ષા રાખે છે, જ્યારે છૂટાછેડા અથવા બહુવિધ સંબંધો પુરુષ માટે માફ કરવામાં આવે છે. મનોવૈજ્ઞાનિકો અને સંબંધ નિષ્ણાતો કહે છે કે સંબંધોમાં વફાદારી કોઈના ભૂતકાળ દ્વારા નહીં, પરંતુ તેમના પાત્ર, મૂલ્યો અને દૈનિક વર્તન દ્વારા નક્કી થાય છે. કોઈના ભૂતકાળની ખાતરી આપવી અશક્ય છે. સાચી સાથીદારી પાસ્ટ ચકાસણી દ્વારા નહીં, પણ વિશ્વાસ, વાતચીત અને સમજણ બનાવે છે. IITian હોવા છતાં અને સારી નોકરી હોવા છતાં આ પુરુષની વિચારસરણી જૂની માનવામાં આવે છે.