ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં હોળીના દિવસે ઓટો સાથે ફૂગ્ગો અથડાયા બાદ પલટી ગઈ હતી. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. એવું જણાવવામાં આવ્યું હતું કે હોળીના દિવસે બપોરે એક ઓટો ફૂલ સ્પીડમાં રોડ પરથી પસાર થતી હતી ત્યારે રસ્તાના કિનારે ઉભેલા યુવકે રંગ ભરેલો ફૂગ્ગો રિક્ષા પર નાંખ્યો હતો. જેના કારણે ઓટો ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને વાહન પલટી મારી ગયું હતું.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. ન્યૂઝ એજન્સી ANIએ તેના ટ્વિટર હેન્ડલ પર પણ શેર કર્યો છે. 22 સેકન્ડના વીડિયોમાં યુવકો રસ્તાના કિનારે ફુગ્ગા મારવા ઉભેલા જોઈ શકાય છે. યાત્રીઓથી ભરેલી ઓટો તેમની પાસેથી પસાર થતાં જ તરત જ તેના પર ફૂગ્ગો નાંખવામાં આવ્યા છે. આમાં એક ફૂગ્ગો ઓટો ડ્રાઈવરને અથડાયો. ફૂગ્ગો વાગ્યા બાદ તરત જ ઓટોનો કંટ્રોલ બગડી ગયો અને તે પલટી મારીને ઘણા મીટર સુધી રસ્તા ઘસડાઈ હતી.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ બાગપત પોલીસે તેની તપાસ શરૂ કરી છે. બાગપતના સીઓ અનુજ મિશ્રાએ જણાવ્યું કે કોતવાલી બાગપતને સોશિયલ મીડિયા પરથી એક વીડિયો મળ્યો છે જેમાં બલૂન ફેંક્યા બાદ ઓટો પલટી જતી જોવા મળી રહી છે. પોલીસે વીડિયોની નોંધ લઈ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં ઓટોમાં સવાર લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જે અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.