ઉનાળાની ગરમીમાં અવારનવાર વાહનોમાં આગ લાગવાની ઘટના બનતી હોય છે. પણ હવે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં ઈલેક્ટ્રીક સ્કૂટરમાં આગ લાગી છે. ગઈકાલે ટ્વીટર પર એક વીડિયો વાયરલ થયો હતો જ્યાં એક ઈલેક્ટ્રીક સ્કૂટર્સ આગમાં ભડભડ બળી રહ્યું હતું. કહેવાઈ રહ્યું છે કે આ સ્કુટર OLA S1 છે. 


OLA સ્કૂટર્સ ભારતીય બજારમાં ધૂમ મચાવી રહ્યું છે. અત્યાર સુધીમાં ઘણા લોકોએ OLA S1 સ્કુટરનું એડવાન્સ બુકિંગ પણ કરાવી લીધું છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે, જેમાં આ સ્કૂટરની સુરક્ષાને લઈને સવાલો ઉભા કરે છે. વીડિયોમાં જોવા મળે છે કે, OLA સ્કૂટરમાં આગ લાગે છે અને તે સળગવા લાગે છે. સ્કુટરમાંથી જ્વાળાઓ નીકળે તે પહેલા, ઘટકા થવાનો અવાજ પણ સંભળાય છે.


આ વીડિયોમાં OLA S1 Pro ઈલેક્ટ્રિક સ્કૂટર રોડ કિનારે ઊભું જોવા મળે છે. જેમાંથી પહેલા ધુમાડો નીકળતો દેખાય છે અને પછી આગની જ્વાળાઓ નીકળવા લાગે છે. મળતી માહિતી અનુસાર, આ પુણેનું રજીસ્ટર્ડ OLA S1 Pro સ્કૂટર છે. 






આ વીડિયો સામે આવ્યા બાદ ઓલાનું નિવેદન પણ આવ્યું છે. કંપનીએ કહ્યું કે, તેઓએ સ્કૂટર ઓનર સાથે વાત કરી છે અને તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, તેને પુણેમાં ઓલા સ્કૂટરમાં આગ લાગવાની માહિતી મળી છે, ત્યારબાદ કારણની તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ માહિતી જાહેર કરવામાં આવશે. OLAનું કહેવું છે કે, વાહનની સુરક્ષા અમારા માટે સૌથી મહત્વની છે અને સ્કૂટરમાં સારી ગુણવત્તાની પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. અમે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને યોગ્ય નિષ્કર્ષ પર પહોંચવાનું નક્કી કર્યું છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, લિથિયમ-આયન બેટરીના નુકસાન અથવા શોર્ટ-સર્કિટને કારણે આવું થઈ શકે છે.