નવી દિલ્લી: જૈન મુનિ પર ટિપ્પણી કર્યા પછી વિવાદોમાં ઘેરાયેલા બોલિવૂડ સિંગર વિશાલ દદલાનીએ રાજકારણ છોડવાની જાહેરાત કરી છે. વિશાલ દદલાની આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક રહી ચુક્યા છે, અને ‘પાંચ સાલ કેજરીવાલ’ ગીતને વિશાલે જ અવાજ આપ્યો હતો. જો કે જૈન મુનિ તરુણ સાગર પર ટિપ્પણી કર્યા પછી આમ આદમી પાર્ટીએ વિશાલના વિવાદાસ્પદ ટિપ્પણીથી પોતાને અલગ કરી દીધી છે. ત્યારબાદ વિશાલ દદલાની ટ્વિટર પર રાજકારણથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જૈન મુનિ તરુણ સાગરે હરિયાણા વિધાનસભામાં ધારાસભ્યોને પ્રવચન આપ્યું હતું. જેમાં તેમણે નેતાઓને તેમની વર્તણુક સુધારવા માટે સલાહ આપી હતી. જૈન મુનિ હોવાના કારણે તરુણ સાગરજી મહારાજ વસ્ત્રો નથી પહેરતા જે વાતને લઇને ગાયક વિશાલ દદલાનીએ તેમની પર ટ્વિટર પર ટિપ્પણી કરી હતી. બાદમાં લોકોએ ટ્વિટર પર વિશાલની ટીકા કરવા લાગ્યા. ઠેર ઠેરથી ટીકાપાત્ર બન્યા પછી વિશાલે ટ્વિટર પર લોકોની માફી માંગી રહ્યા હતા. ટિપ્પણીનો મામલો વધતા જોઇને વિશાલે ગઇ કાલની રાત્રે સાડા નવ વાગે ટ્વિટર પર ટ્વીટ કર્યું કે “ભૂલ થઇ ગઇ, માફ કરી દો, પરંતુ ધર્મને રાજકારણની સાથે ન જોડતા, દેશ માટે.”
વિવાદને આગળ વધતા જોઇને દિલ્લી સરકારના સ્વાસ્થ્ય મંત્રી સતેંદ્ર જૈન પણ વચ્ચે પડ્યા હતા. તેમણે ટ્વિટ કરીને વિશાલ તરફથી સમગ્ર જૈન સમાજ અને તરુણ સાગર મહારાજથી માફી માંગી હતી. સતેંદ્ર જૈનના ટ્વિટના 10 મિનિટ પછી જ વિશાલે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સતેંદ્ર જૈનને ટેગ કરીને ટ્વિટ કરીને જાહેરાત કરી કે, “બહુ જ ખરાબ લાગી રહ્યું છે કે મારા જૈન મિત્રો , અરવિંદ કેજરીવાલ અને સતેંદ્ર જૈનને દુખ થયું છે. હું પોતાની જાતને સક્રીય રાજકારણથી અલગ કરું છું.”