વિશાખાપટ્ટનમઃ આંધ્રપ્રદેશના વિઝાગમાં ગુરુવારે સવારે એક કેમિકલ યૂનિટમાં ગેસ ગળતરના કારણે 9 લોકોના મોત થયા છે, જ્યારે 80 લોકો વેન્ટિલેટર પર છે. એનડીઆરએફના ડીજીએ કહ્યું, આ ઘટના કેમિકલ યૂનિટમાં સ્ટારિન ગેસ લીકેજ થવાના કારણે બની છે.


એનડીઆરએફના ડીજીએ કહ્યું, વિશાખાપટ્ટનમની ઘટના સ્ટાયરિન ગેસ લીકેજની ઘટના છે. જે પ્લાસ્ટિકનો કાચો માલ હોય છે. આ ફેકટરી લોકડાઉન બાદ ખુલી હતી, પ્લાન્ટને ફરી શરૂ કરતાં ગેસ લીક થયો હોવાનું લાગે છે. આસપાસના ગામ પણ તેનાથી પ્રભાવિત થયા છે.

કેટલો ખતરનાક છે સ્ટાયરિન ગેસ
સ્ટાયરિન ગેસ પ્લાસ્ટિક, કલર, ટાયર જેવી ચીજો બનાવવામાં ઉપયોગ થાય છે. વ્યક્તિના શરીરમાં જવાથી આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ, બેભાન થઈ જવું અને ઉલ્ટી જેવી પરેશાનીઓ થવા લાગે છે. તેની નર્વસ સિસ્ટમ પર સીધી અસર થાય છે. સ્ટાયરિનને એથેનિલબેન્જિન, વિનાલેનબેન્જિન અને ફેનિલિથીનના રૂપમાં ઓળખવામાં આવે છે. જે એક રંગહીન તરલ પદાર્થ જેવો હોય છે, જોકે કેટલાક સેમ્પલ પીળા પણ જોવા મળે છે. વર્ષ 2010માં આશરે 25 મિલિયન ટન સ્ટાઈલિનનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું, જે 2018 સુધીમાં વધીને 35 મિલિયન ટન થયું હતું. વર્ષ 1839માં જર્મન એપોથેકરી એડુઅર્ડ સાઈમને અમેરિકન સ્વીટગ્મ ટ્રીમાંથી એક તરલ પદાર્થ અલગ કર્યો હતો. આ પદાર્થને સ્ટાઇરોલ નામ આપવામાં આવ્યું હતું, જેને હવે સ્ટાયરિન કહેવામાં આવે છે.

જ્યારે સ્ટાઇરોલને હવા, પ્રકાશ કે ગરમીના સંપર્કમાં લાવવામાં આવ્યો ત્યારે તે ધીમે ધીમે એક કડક રબર જેવા પદાર્થમાં બદલાઈ ગયું હતું. જેને સ્ટાઈરલ ઓકસાઈડ તરીકે ઓળખવામાં આવ્યું. 1845 સુધી જર્મન કેમિસ્ટ અગસ્ટ હોફમેન તેના શિષ્ય જોન બેલીથે સ્ટાયરિનની C8H8 ફોર્મુલા નક્કી કરી.

કેવી રીતે બની વિઝાગ દુર્ઘટના
ઘટના ગુરુવારે સવારે આશરે 2.30 કલાકે બની હતી. આસપાસના વિસ્તારના લોકો ઘરમાં ઉંઘતા હતા ત્યારે અચાનક તેમને શ્વાસ લેવામાં તકલીફ, ખંજવાળ અને આંખોમાં બળતરા શરૂ થઈ હતી. ડરના માર્યા લોકો તેમના ઘરમાંથી બહાર આવી ગયા હતા પરંતુ ગેસ ગળતરના કારણે હવા ઝેરી બની ગઈ હતી. જેના કારણે લોકો બેભાન થઈને રોડ પર પડી ગયા હતા. આ ઉપરાંત અનેક પશુ પણ ઝેરીલા ગેસની ઝપેટમાં આવી ગયા હતા.