મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને પત્ર લખીને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન પર ગંભીર આરોપ લગાવ્યા છે. સુકેશ ચંદ્રશેખરે એલજીને લખેલા પત્રમાં દાવો કર્યો હતો કે તેમણે AAP નેતાને પ્રોટેક્શન મની તરીકે 10 કરોડ રૂપિયા આપ્યા અને દક્ષિણ ભારતમાં AAPમાં મહત્વના પદ માટે પાર્ટીને 50 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા. આ મામલાને લઈને ભાજપે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.
બીજેપી નેતા સંબિત પાત્રાએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે આ એક મોટો મુદ્દો છે! સુકેશ ચંદ્રશેખરે હાલમાં જેલમાં બંધ AAP મંત્રી સત્યેન્દ્ર જૈનને પ્રોટેક્શન મની આપી હતી. પાર્ટીને લગભગ 50 કરોડ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. એમાં કોઇ શંકા નથી કે આમ આદમી પાર્ટીને હાર્ડકોર ભ્રષ્ટાચારી પાર્ટી કેમ કહેવામાં આવે છે.
સુકેશે પત્રમાં શું કહ્યું?
એલજીને લખેલા પત્રમાં સુકેશની સહી અને આગળના પેજ પર સ્પીડ પોસ્ટ સ્ટીકર પણ છે. પત્રમાં સુકેશે જણાવ્યું હતું કે તે AAP નેતા સત્યેન્દ્ર જૈનને 2015થી ઓળખે છે. જૈને દક્ષિણ ભારતમાં પાર્ટીમાં મહત્વનું પદ આપવાનું વચન આપ્યું હતું, જેના માટે 50 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. સુકેશે પત્રમાં કહ્યું કે, 2017માં મારી ધરપકડ બાદ મને તિહાડ જેલમાં રાખવામાં આવ્યો હતો અને જેલ મંત્રી તરીકે ફરજ બજાવતા સત્યેન્દ્ર જૈન ઘણી વખત મારી પાસે આવ્યા હતા. 2019 માં પણ સત્યેન્દ્ર જૈન સાથે ફરી સંપર્ક કરવામાં આવ્યો તેમના સેક્રેટરીએ મને કહ્યું કે દર મહિને પ્રોટેક્શન મની તરીકે 2 કરોડ રૂપિયા ચૂકવવા પર જેલમાં મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ થશે.
સુકેશ ચંદ્રશેખર હાલ દિલ્હીની મંડોલી જેલમાં બંધ છે. હાઈપ્રોફાઈલ લોકો પાસેથી કથિત પૈસા ઉઘરાવવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. સુકેશને આ વર્ષે ઓગસ્ટમાં તિહાડ જેલમાંથી મંડોલી જેલમાં લાવવામાં આવ્યો હતો. સુકેશે તેને બીજી જેલમાં શિફ્ટ કરવા માટે ઘણી વખત વિનંતી કરી હતી. તેણે દાવો કર્યો હતો કે તેને તિહાડ જેલમાં જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. આ મહિને તેણે મંડોલી જેલમાંથી શિફ્ટ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ પણ કરી હતી. સુપ્રીમ કોર્ટે તેમની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.
પત્ર મળ્યાના દિવસો પછી 19 ઓક્ટોબરના રોજ એલજીએ દિલ્હી પોલીસની Economic Offenses Wingને જેલ વિભાગના 82 અધિકારીઓ સામે તપાસ કરવાની મંજૂરી આપી હતી જેઓ સુકેશ ચંદ્રશેખર તરફથી જેલની અંદરથી ચલાવવામાં આવી રહેલા ક્રાઇમ સિન્ડિકેટમાં સામેલ હતા.
પત્રમાં ચંદ્રશેખરે દાવો કર્યો છે કે તેણે ગયા મહિને સીબીઆઈની તપાસ ટીમને જૈન, આમ આદમી પાર્ટી અને જેલના ડીજીને આપવામાં આવેલા પૈસા વિશે જણાવ્યું હતું. હાલમાં આ મામલે એલજી ઓફિસ તરફથી જવાબ આવવાનો બાકી છે.