Flood in Assam: છેલ્લા કેટલાક દિવસોથી સતત થઈ રહેલા વરસાદને કારણે દેશના પૂર્વોત્તર રાજ્યોમાં ખૂબ જ મુશ્કેલ સ્થિતિ ઉભી થઇ છે. ગત સપ્તાહમાં આસામ, સિક્કિમ સહિત અનેક રાજ્યોમાં પૂરના કારણે હજારો લોકો પ્રભાવિત થયા છે. ભારે વરસાદથી નદીઓના જળ સ્તરમાં પણ વધારો થવાના કારણે આસામના મોટાભાગના વિસ્તારો ડૂબી ગયા છે. લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.






આસામના પરિવહન મંત્રી પરિમલ શુક્લાબૈદ્ય પૂર વચ્ચે લોકોને મદદ કરતા જોવા મળ્યા હતા. તાજેતરમાં જ તેઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ એક દર્દીને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવા માટે જાતે જ હોડી ચલાવી રહ્યા છે.


પરિવહન મંત્રીએ બોટ ચલાવી


મળતી માહિતી મુજબ, એક વ્યક્તિને તેના ડાયાલિસિસ માટે હોસ્પિટલમાં જવું પડે તેમ હતું. નદીના પાણીના સ્તરમાં વધારો થવાના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ પરિવહન મંત્રી પરિમલ તેમની મદદે આવ્યા અને પોતે હોડી ચલાવી તે વ્યક્તિને હોસ્પિટલ જવામાં મદદ કરી હતી.


32 જિલ્લા પાણીમાં ડૂબી ગયા


બ્રહ્મપુત્રા અને બરાક નદીના વહેણને કારણે આસામના મોટાભાગના જિલ્લાઓ ડૂબી ગયા છે. રાજ્યના કુલ 36 જિલ્લાઓમાંથી 32 જિલ્લાઓમાં બ્રહ્મપુત્રા અને બરાક નદીઓ તેમજ તેમની ઉપનદીઓ ઓવરફ્લો થવાના કારણે ડૂબી ગયા છે.


સેના અને એનડીઆરએફની ટીમોની મદદથી ઘણા વિસ્તારોમાંથી હજારો લોકોને બચાવવામાં આવી રહ્યા છે. પરિવહન મંત્રી પરિમલ આસામના કછાર જિલ્લાના સિલચરમાં અભિયાન ચલાવી રહ્યા છે.  સ્થાનિક ધારાસભ્યો, ડેપ્યુટી કમિશનરો અને ત્રણ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બરાક ઘાટીમાં પૂરની સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે.