મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, પાલઘર અને કોંકણમાં વરસેલા ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મુંબઈમાં એક દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. હાલમાં દરિયામાં ભરતી ચાલતી હોવાના કારણે વરસાદી પાણી દરિયામાં જઈ શકતા ના હોવાથી ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે.


બોરીવલી ઈસ્ટમાં વરસાદી પાણીના જોરદાર વહેણમાં રસ્તાઓ પર પાર્ક કરેલા વાહનો પણ તણાયા હતા. હવામાન વિભાગે પણ મહારાષ્ટ્રના પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે રેડએલર્ટ જાહેર કર્યું છે. આજે મુંબઈ, રાયગઢ, પૂણે અને કોલ્હાપુરમાં હવામાન વિભાગે રેડ એલર્ડ જાહેર કર્યું છે.


ચોમાસાની સિઝન દરમિયાન મુંબઈમાં સરેરાશ વરસાદ 2,260.4 મીમીની આસપાસ હોય છે, પરંતુ આ વખતે અત્યાર સુધીમાં માત્ર એક મહિનામાં શહેરમાં 1,919.8 મીમી વરસાદ થઈ ચૂક્યો છે, જે કુલ વરસાદના 85 ટકા જેટલો છે.


ભારતીય હવામાન વિભાગની માહિતીના આધારે 1981 થી 2010 સુધી જુલાઈમાં મુંબઈમાં સામાન્ય રીતે 840.7 મીમી વરસાદ પડ્યો છે, પરંતુ આ વખતે ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં 958.4 મીમી જેટલો વરસાદ નોંધાયો છે.


છેલ્લા ઘણા દિવસથી શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જો હવે ૨૩ જુલાઈથી ૨૭ જુલાઈ સુધી મૂશળધાર વરસાદ વરસે તો મુંબઈ જળબંબાકાર બની જશે. કારણ કે આ દિવસો દરમિયાન દરિયામાં મોટી ભરતી એટલે કે મોજા ૪.૫૦ મીટર કરતાં વધુ ઊંચે ઉછળશે. આમ શુક્રવાર સહિત પાંચ દિવસ મુંબઈજળબંબાકાર થવાની ભારોભાર શક્યતા.


દરિયામાં શુક્રવાર તા. ૨૩ જુલાઈના રોજ સવારે ૧૧.૩૭ વાગે મોટી ભરતી છે. આ સમયમાં દરિયામાં ૪.૫૯ મીટર ઊંચે સુધી મોજા ઉછળશે. ૨૪ જુલાઈના રોજ બપોરે ૧૨.૨૪ વાગે મોટી ભરતી છે અને મોજા ૪.૭૧ મીટર સુધી ઊંચે ઉછળશે. ૨૫ જુલાઈના રોજ બપોરે ૧.૦૭ વાગે ભરતીમાં મોજા ૪.૭૩ મીટર સુધી ઊંચે ઉછળશે. ૨૬ જુલાઈના રોજ દરિયામાં બપોરે ૧.૪૮ કલાકે ભરતી દરમિયાન મોજા ૪.૬૮ મીટર સુધી મોજા ઊંચા ઉછળશે. તા. ૨૭ જુલાઈના રોજ ભરતી ૨.૨૭ કલાકે છે અને મોજા ૪.૫૧ મીટર સુધી ઊંચા ઉછળશે.