Wayanad landslide: કેરળના વાયનાડ જિલ્લામાં કુદરતના વિનાશથી સમગ્ર દેશ વ્યથિત છે. વરસાદ બાદ ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 151 લોકોના મોતની પુષ્ટી થઈ છે. 90 થી વધુ લોકો ગુમ હોવાનું કહેવાય છે, જ્યારે NDRF, આર્મી, નેવી અને એરફોર્સના જવાનો દ્વારા મોટી સંખ્યામાં લોકોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે. 128 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. વાયનાડમાં હવામાન હજુ પણ ખરાબ છે. ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જેના કારણે રેસ્ક્યુ ટીમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેરળ સરકારે આ દુર્ઘટના બાદ બે દિવસનો શોક જાહેર કર્યો છે.






પીડિત પરિવારો કાટમાળ નીચે દટાયેલા તેમના પ્રિયજનોને શોધી રહ્યા છે. ડ્રોન અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે. મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, જે સ્થળ (મુંડક્કઈ) પર ભૂસ્ખલન થયું છે તે વધુ જોખમી વિસ્તારમાં આવે છે અને ત્યાં કોઈ લોકો રહેતા નથી. ત્યાંથી માટી, પથ્થરો અને ખડકો ખસીને ચૂરલમાલા તરફ આવ્યા હતા. જે ભૂસ્ખલનના પ્રારંભિક સ્થળથી 6 કિલોમીટર દૂર છે. આ કોઈ સંવેદનશીલ જગ્યા નથી અને ઘણા લોકો અહીં વર્ષોથી રહે છે. જેને જોતા અહીં મોટી જાનહાનિ થઈ છે.


4 ગામો તબાહ થયા


વાયનાડમાં મૂશળધાર વરસાદ પછી ભૂસ્ખલનને કારણે કુદરતનો આવો વિનાશ કદાચ કોઈએ જોયો નથી. ભૂસ્ખલનમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. કાટમાળમાંથી હજુ પણ મૃતદેહોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા છે. આ અકસ્માતમાં 116થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. આર્મી, એરફોર્સ અને નેવી ત્રણેય રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે રેસ્ક્યુ ટીમને લોકોના મૃતદેહ બહાર કાઢવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


સેનાના 200થી વધુ જવાનો રેસ્ક્યૂ ઓપરેશનમાં સામેલ થયા


રેસ્ક્યુ ટીમના જણાવ્યા અનુસાર હજુ પણ વધુ લોકો કાટમાળ નીચે દટાયેલા હોઈ શકે છે. સિવિલ ડિફેન્સ, પોલીસ, ફાયર ડિપાર્ટમેન્ટ, SDRF, NDRFના લગભગ 250 જવાનો રાહત અને બચાવમાં લાગેલા છે. સેનાના લગભગ 225 સૈનિકો બચાવ કાર્યમાં લાગેલા છે. ભારતીય વાયુસેનાએ બચાવ અભિયાન માટે કોઈમ્બતુરના સુલુર એરબેઝથી 2 હેલિકોપ્ટર મોકલ્યા છે.