સંજય રાઉતનો દાવો- રાજ્યપાલ અમને બોલાવે, 10 મિનિટમાં સાબિત કરીશું બહુમત
abpasmita.in | 24 Nov 2019 07:35 PM (IST)
શિવસેનાના વરિષ્ઠ નેતા અને સાંસદે આરોપ લગાવ્યો હતો કે, બીજેપી ડરાવી-ધમકાવીને ધારાસભ્યોને પોતાની સાથે લઇ રહી છે.
મુંબઇઃ શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે રાજ્યપાલ સરકાર બનાવવા માટે અમને એકવાર બોલાવે તો અમે 10 મિનિટમાં બહુમત સાબિત કરી દઇશું. રાઉતે કહ્યુ કે, તેમની પાસે એનસીપીના 49 ધારાસભ્યોનું સમર્થન છે. શિવસેનાના વરિષ્ઠ નેતા અને સાંસદે આરોપ લગાવ્યો હતો કે, બીજેપી ડરાવી-ધમકાવીને ધારાસભ્યોને પોતાની સાથે લઇ રહી છે. સંજય રાઉતે ફડણવીસના શપથ ગ્રહણ સમારોહને એક્સીડેન્ટલ ગણાવ્યો હતો. લોકો જાગે છે તો તેમને ખ્યાલ આવે છે કે મહારાષ્ટ્રમાં નવા મુખ્યમંત્રીએ શપથ લીધા છે. આ તો પોકેટ મારવા જેવું કામ કર્યું છે. રાઉતે આરોપ લગાવ્યો હતો કે અજિત પવાર નકલી દસ્તાવેજ લઇને રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને આ દસ્તાવેજને સાચા માનીને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના શપથ અપાવી દીધા હતા. રાઉતે કહ્યું કે, એક દિવસ બાદ અમે સરકાર બનાવવા માટે રાજ્યપાલને મળવાના હતા પરંતુ તેના એક દિવસ અગાઉ જ ભાજપે ચાલ ચલી અને ફડણવીસને મુખ્યમંત્રી અને અજિત પવારને નાયબ મુખ્યમંત્રી પદના શપથ અપાવ્યા હતા.