Amit Shah History Remark: કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે યુનિફોર્મ સિવિલ કોડ કોડ બાદ વધુ એક મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. શાહે કહ્યું હતું કે 'તોડી-મરોડીને લખવામાં આવેલા ઈતિહાસને સુધારીને તેને ફરીથી લખતા અમને કોઈ ના રોકી શકે. ઈતિહાસકારો અને વિદ્યાર્થીઓએ ભારતના જુદા જુદા ભાગોમાં 150 વર્ષથી શાસન કરનારા 30 સામ્રાજ્યો અને દેશની આઝાદી માટે બલિદાન આપનાર 300થી વધુ વિભૂતિઓ પર સંશોધન કરી સાચો ઈતિહાસ લખવો જોઈએ.
ગૃહમંત્રીએ કહ્યું હતું કે, જો લચિત બોરફુકન ન હોત તો પૂર્વોત્તર ભારતનો ભાગ ન હોત કારણ કે જે તે સમયે તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને તેમની સાહસથી માત્ર પૂર્વોત્તર જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયાને કટ્ટરપંથી આક્રમણકારોથી બચાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, લચિત બોરફુકનની આ બહાદુરી માટે સમગ્ર રાષ્ટ્ર, સભ્યતા અને સંસ્કૃતિ તેમની ઋણી છે. તેઓ અહોમ સામ્રાજ્યના મહાન સેનાપતિ લચિત બોરફૂકનની 400મી જન્મજયંતિ પર આયોજિત એક કાર્યક્રમને સંબોધિ રહ્યા હતા.
ઈતિહાસને ગૌરવશાળી બનાવી લોકોની સામે લાવવો જોઈએ : શાહ
શાહે આસામના મુખ્યમંત્રી ડો. હિમંતા વિશ્વ શર્માને પણ અનુરોધ કર્યો હતો કે લચિત બોરફૂકનના પાત્રનું હિન્દી અને દેશની અન્ય 10 ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે જેથી કરી દેશનો દરેક બાળક તેમના સાહસ અને બલિદાનથી વાકેફ થઈ શકે. ગૃહમંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની વર્તમાન સરકાર દેશના ગૌરવ માટે કરવામાં આવતા કોઈપણ પ્રયાસને સમર્થન આપે છે. આપણે ઈતિહાસને તોડી મરોડીને રજુ કરતા વિવાદોમાંથી બહાર આવી તેને ગૌરવશાળી બનાવી સમગ્ર વિશ્વની સામે રજૂ કરવો જોઈએ.
શાહે આ મામલે આગળ કહ્યું હતું કે, મને વારંવાર ફરિયાદો કરવામાં આવે છે કે આપણા ઈતિહાસને વિકૃત કરવામાં આવ્યો છે, તેની સાથે છેડછાડ કરવામાં આવી છે. આ આક્ષેપો સાચા પણ હોઈ શકે છે. પરંતુ તેમને સુધારવાથી કોણ રોકી રહ્યું છે? હવે આપણને સાચો ઈતિહાસ લખતા કોણ રોકી શકે? શાહે ઈતિહાસકારો અને વિદ્યાર્થીઓને ભારતના વિવિધ ભાગોમાં 150 વર્ષથી શાસન કરનારા 30 સામ્રાજ્યો અને દેશની આઝાદી માટે બલિદાન આપનાર 300 થી વધુ મહાન વિભૂતિઓ વિશે ઉંડાણપૂર્વક અધ્યયન કરવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આમ થવાથી નવો અને સાચો ઈતિહાસ સામે આવશે અને જુઠ્ઠાણા આપોઆપ જ ઈતિહાસમાંથી જુદુ તરી આવશે.
દેશના ઈતિહાસ પર ગર્વ હોવો જોઈએ : શાહ
અમિત શાહે કહ્યું હતું કે, આપણા આઝાદીના ઈતિહાસના નાયકોના બલિદાન અને હિંમતને દેશના ખૂણે ખૂણે લઈ જવાથી આપણી ભાવી પેઢીઓને તેની પ્રેરણા મળશે. જે દેશના લોકો પોતાના ઈતિહાસ પર ગર્વની ભાવના ના અનુંભવે તેઓ ક્યારેય પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકતા નથી. જો દેશનું સોનેરી ભવિષ્ય બનાવવું હોય તો દેશના ઈતિહાસ પર ગૌરવ કરવું ખૂબ જ જરૂરી છે તેમ શાહે કહ્યું હતું.