વારાણસીઃ વડાપ્રધાન મોદીએ  વારાણસીમાં 1254 કરોડ રૂપિયાની લગભગ 50 યોજનાઓનું ઉદ્ધાટન કર્યું હતું. વડાપ્રધાને આજે ચંદૌલીમાં એક જનસભાને સંબોધતા કહ્યું કે, દુનિયાભરના તમામ દબાણો છતાં નાગરિકતા સંશોધન કાયદા પર અમે અડગ રહ્યા હતા અને અડગ રહીશું. અહીં વડાપ્રધાન મોદીએ દીનદયાલ ઉપાધ્યાયની 63 ફૂટ ઉંચી પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું.


તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો મુદ્દો હોય કે પછી નાગરિકતા સંસોધન કાયદાનો મુદ્દો હોય, આ નિર્ણયોની દેશ  વર્ષોથી રાહ જોઇ રહ્યો હતો. મહાદેવના આશીર્વાદથી દેશ આજે એ નિર્ણય લઇ રહ્યો છે જે અગાઉ પાછળ છોડી દેવામાં આવ્યા હતા. દેશના હિતમાં આ નિર્ણય જરૂરી હતા. દુનિયાભરના તમામ દબાણ છતાં આ નિર્ણયો પર અમે અડગ છીએ અને ભવિષ્યમાં અડગ રહીશું.


વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આઝાદી બાદ ઘણા સમય  સુધી સમાજના પછાત લોકોની સમસ્યાઓને યથાવત રાખવામાં આવી કારણ કે એ સમયની સરકારોને એ સમસ્યાનો ઉકેલ લાવવામાં રસ નહોતો. સરકાર પછાત લોકોને પણ લાભ પહોંચાડવામાં સતત કામ કરી રહી છે. આયુષ્યમાન યોજના હેઠળ 90 લાખ ગરીબોને મફતમાં સારવારનો લાભ મળ્યો છે.