નવી દિલ્હીઃ કોરોના યુગમાં દેશની આર્થિક સ્થિતિ ભલે ડામાડોળ થઈ ગઈ છે, પરંતુ તેનાથી અબજોપતિઓની સંપત્તિને અસર થઈ નથી. અમેરિકાના મેગેઝિન ફોર્બ્સના જણાવ્યા અનુસાર દેશના ટોચના 4 અબજોપતિઓની સંપત્તિમાં ભારે વધારો થયો છે. ફોર્બ્સની નવી યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી ફરી એક વખત ટોચ પર છે. તેની સંપત્તિ 88.7 અબજ ડોલર છે. આ સતત 13મું વર્ષ છે જ્યારે મુકેશ અંબાણી ટોચ પર છે. ગૌતમ અદાણી મુકેશ અંબાણી પછી બીજા ક્રમે છે. તેમની સંપત્તિ 25.2 અબજ ડોલર છે. ત્રીજા નંબર પર આઇટી કંપની એચસીએલના શિવ નાડારનું નામ શામેલ છે. તેની સંપત્તિ 20.4 અબજ ડોલર છે. ડી માર્ટના માલિક રાધાકિશન દમાની ચોથા નંબર પર છે. દમાની પાસે 15.4 અબજની સંપત્તિ છે. પાંચમાં નંબરમાં હિન્દુજા બ્રધર્સનું નામ શામેલ છે. તેમની સંપત્તિ 12.8 અબજ ડોલર છે. લિસ્ટમાં સૌથી નાની વયના ધનપતિ 39 વર્ષના બાયજુ રામચંદ્રન છે, જેઓ બાયજુ નામની શિક્ષણ એપ ચલાવે છે. 46મા ક્રમના બાયજુની સંપતિ 3.05 અબજ ડૉલર નોંધાઈ છે. 91 વર્ષના દેવેન્દ્ર જૈન સૌથી મોટી ઉંમરના ધનપતિ છે. 86મા ક્રમે આવેલા દેવેન્દ્રની સંપતિ 1.6 અબજ ડૉલર છે. કન્સ્ટ્રકશન સેક્ટરના માંધાતા પાલોનજી પણ 91 વર્ષના છે. 11.4 અબજ ડૉલર સાથે તેઓ 7મા ક્રમે છે. સમગ્ર લિસ્ટમાં માત્ર 3 મહિલાઓ સાવિત્રી દેવી જિંદાલ, કિરણ મજૂમદાર અને લીના તિવારીનો સમાવેશ થયો છે.

ભારતના ટોપ-10 ધનાઢ્ય

ક્રમ

નામ

સંપતિ

અબજ ડોલરમાં

1

મુકેશ અંબાણી

88.7

2

ગૌતમ અદાણી

25.2

3

શિવ નાદર

20.4

4

રાધાક્રિષ્ન દામાણી

15.4

5

હિન્દુજા બ્રધર્સ

12.8

6

સાયરસ પૂનાવાલા

11.5

7

પાલોનજી મિસ્ત્રી

11.4

8

ઉદય કોટક

11.3

9

ગોદરેજ પરિવાર

11

10

લક્ષ્મી મિતલ

10.7

લિસ્ટમાં ગુજરાતીઓનો દબદબો

ક્રમ

નામ

સંપતિ (અબજ  ડૉલર)

2

ગૌતમ અદાણી (અદાણી ગૂ્રપ)

25.2

12

દિલીપ સંઘવી (સન ફાર્મા)

9.5

17

મધુકર પારેખ (પીડીલાઈટ)

7.2

22

સુધીર-સમિર મહેતા (ફાર્મા-વીજળી)

5.9

23

હસમુખ ચૂડગર (ઈન્ટાસ ફાર્મા)

5.4

28

પંકજ પટેલ (કેડિલા)

4.55

39

કરસનભાઈ પટેલ (નિરમા)

3.8

82

ચીરાયુ અમિન (એલેમ્બિક ફાર્મા)

1.7

92

ભદ્રેશ શાહ (એઆઈએ એન્જિનિયરિંગ)

1.5

93

રજનિકાંત શ્રોફ (યુનાઈટેડ ફોસ્ફરસ)

1.4

મુકેશ અંબાણી સતત 13મા વર્ષે ભારતના પ્રથમ ક્રમના ધનપતિ રહ્યા છે. એક જ વર્ષમાં તેમની સંપતિ 33.7 અબજ ડૉલર વધી હતી. આ લિસ્ટમાં સુનિલ મિત્તલ 11મા ક્રમે, કુમાર બિરલા 14મા, અજીમ પ્રેમજી 15મા, સુધીર-સમિર મહેતા 22મા, પંકજ પટેલ 28મા ક્રમે નોંધાયા હતા.