પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને શિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલે મંગળવારે (25 એપ્રિલ) અંતિમ શ્વાસ લીધા હતા.  શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને એક સપ્તાહ પહેલા મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂર્વ સીએમ બાદલનું રાત્રે લગભગ આઠ વાગ્યે નિધન થયું હતું.







  1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન સહિત ઘણા નેતાઓએ પ્રકાશ સિંહ બાદલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. બાદલ પંજાબના પાંચ વખત મુખ્યમંત્રી રહ્યા (1970–71, 1977–80, 1997–2002, 2007–12 અને 2012–17) હતા.

  2. પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલના નિધન પર કેન્દ્ર સરકારે બે દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર, રાષ્ટ્રીય શોક દરમિયાન ધ્વજ અડધી કાઠીએ ઝુકાવવામાં આવશે. પ્રકાશ સિંહ બાદલના અંતિમ સંસ્કાર ગુરુવાર (27 એપ્રિલ)ના રોજ કરવામાં આવશે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે બુધવારે (26 એપ્રિલ) સવારે 10:00 થી 12:00 દરમિયાન પ્રકાશ સિંહ બાદલના મૃતદેહને ચંદીગઢના સેક્ટર 28 સ્થિત પાર્ટી ઓફિસમાં લાવવામાં આવશે. તેમના વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.



  1. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ પ્રકાશ સિંહ બાદલના નિધનથી દુખી છે. તેમણે ટ્વીટ કર્યું હતુ કે “પ્રકાશ સિંહ બાદલના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેઓ ભારતીય રાજનીતિના જબરદસ્ત વ્યક્તિત્વ અને નોંધપાત્ર રાજનેતા હતા. તેમણે આપણા દેશના વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે. તેમણે પંજાબની પ્રગતિ માટે અથાક મહેનત કરી અને મુશ્કેલ સમયમાં રાજ્યને નેતૃત્વ આપ્યું હતું. બાદલના નિધનને અંગત ખોટ ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે તેઓ ઘણા દાયકાઓ સુધી તેમની સાથે નજીકથી વાતચીત કરી છે અને તેમની પાસેથી ઘણું શીખ્યા છે.

  2. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે પ્રકાશ સિંહ બાદલ આઝાદી પછીના સૌથી મોટા રાજકીય દિગ્ગજોમાંના એક હતા. જાહેર સેવામાં તેમની અનુકરણીય કારકિર્દી મોટાભાગે પંજાબ સુધી સીમિત હોવા છતાં તેઓ સમગ્ર દેશમાં આદર પામ્યા હતા. તેમના નિધનથી એક શૂન્યતા સર્જાઈ છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી દિલથી સંવેદના.

  3. રાહુલ ગાંધીએ કહ્યું કે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને શિરોમણી અકાલી દળના પૂર્વ અધ્યક્ષ સરદાર પ્રકાશ સિંહ બાદલના નિધનના સમાચાર દુઃખદ છે. તેઓ જીવનભર ભારત અને પંજાબના રાજકારણના મજબૂત નેતા રહ્યા. હું સુખબીર સિંહ બાદલ સહિત તેમના તમામ શોકગ્રસ્ત પરિવારના સભ્યો અને સમર્થકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.

  4. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલના નિધન અંગે ખૂબ જ દુઃખદ માહિતી મળી છે. વાહેગુરુજી તેમના આત્માને તેમના પવિત્ર ચરણોમાં સ્થાન આપે. મારી સંવેદના સુખબીર બાદલ જી અને તેમના સમગ્ર પરિવાર સાથે છે.

  5. પંજાબના વર્તમાન મુખ્યમંત્રી ભગવંત માનએ કહ્યું હતું કે તેમને પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલના નિધનના દુઃખદ સમાચાર મળ્યા છે. પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે પ્રકાશ સિંહ બાદલનું અવસાન ભારતીય રાજકારણ માટે અપુરતી ખોટ છે. શાહે કહ્યું હતું કે બાદલનો અપાર રાજકીય અનુભવ તેમને જાહેર જીવનમાં ખૂબ મદદરૂપ થયો હતો અને બાદલને સાંભળીને હંમેશા આનંદ થતો હતો.