દેશના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મેદાની વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. જો કે કેટલીક જગ્યાએ લોકોને પાણી ભરાવા જેવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં વરસાદ લોકો માટે આફતરૂપ બન્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદની તીવ્રતા 29 જૂન સુધી યથાવત રહેશે અને 30 જૂનથી વરસાદ ધીમે ધીમે ઘટવાની શક્યતા છે.






હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે દિલ્હીમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ થઈ શકે છે. 4 જુલાઈ સુધી દિલ્હીમાં વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની સંભાવના છે. મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશમાં પણ 31 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં હવામાન વિભાગ અનુસાર થાણે, રાયગઢ, પાલઘર, રત્નાગિરી, સિંધુદુર્ગ અને નાસિક જિલ્લામાં  ભારે વરસાદ વરસી શકે છે. વરસાદને લઇને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 30 જૂન બાદ મહારાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટવાનું અનુમાન છે. છેલ્લા બે દિવસથી મુંબઇમાં  વરસાદી માહોલ જામ્યો છે. ગોરેગાંવમાં એક વૃક્ષ ધરાશાયી થતા યુવકનું મૃત્યુ હતું. એક દિવસ અગાઉ પણ વૃક્ષ જમીનદોસ્ત થયા એક વ્યક્તિનું મોત થયું હતું.






વરસાદનો કહેર


હિમાચલ પ્રદેશમાં વરસાદે પાયમાલી સર્જી છે. રાજ્યમાં સતલજ નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે સ્થિતિ વણસી રહી છે. આમાં ઘણા લોકોના મોત થયા છે. ઘણા લોકો બેઘર બન્યા છે. શિમલામાં ભૂસ્ખલન થઈ રહ્યું છે. જેના કારણે લોકોને લાંબા ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં વરસાદને કારણે આવી જ સ્થિતિ પ્રવર્તી રહી છે. ઉત્તરાખંડમાં ગુરુવાર (29 જૂન) માટે વિભાગે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે


રાજસ્થાન, ગુજરાત, કોંકણ, ગોવા, કેરળમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મધ્યપ્રદેશ અને વિદર્ભમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડી શકે છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઝારખંડમાં વરસાદની સંભાવના છે.