ચારેય તરફ હિમવર્ષા, ધુમ્મસ અને કાતિલ ઠંડી ઉત્તર ભારતના રાજ્યોમાં જોવા મળી રહી છે. દિલ્લીમાં ઠંડીનો પારો 1.1 ડિગ્રી પર પહોંચ્યા છે. જે છેલ્લા 15 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે.


જ્યારે ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસને લીધે અકસ્માતનો હારમાળા સર્જાય છે. જેમાં 12ના મોત નિપજ્યા છે. જમ્મુ-કશ્મીરમાં ભારે હિમવર્ષાથી ઠંડીનો પારો માઈનસમાં પહોંચ્યો છે. ગુલમર્ગમાં ઠંડીનો પારો માઈનસ 9 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો શ્રીનગરમાં ઠંડીનો પારો માઈનસ 6.4 ડિગ્રી પર પહોંચ્યો હતો. હરિયાણાના હિસારમાં માઈનસ 1.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે પંજાબના ફરિદકોટમાં તાપમાન માઈનસ 0.2 ડિગ્રી પર પહોંચી ગયુ છે.

ગુજરાતમાં આગામી બે દિવસ માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે માવઠાને લીધે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીમાં આશિંક ઘટાડો થઈ શકે છે. ત્રણ જાન્યુઆરી બાદ ઠંડીથી થોડી રાહત મળવાની સાથે જ તાપમાન વધવાની પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

તો સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ કેશોદ સૌથી ઠંડુ શહેર રહ્યુ છે. જામનગરમાં ઠંડીનો પારો નવ ડિગ્રી પર પહોંચ્યો છે. તો કેશોદમાં ઠંડીનો પારો 9.2 ડિગ્રી પર પહોચ્યો છે. રાજકોટ અને જૂનાગઢમાં ઠંડીનો પારો 10 ડિગ્રી પર પહોંચ્યો છે. જ્યારે અમરેલી અને પોરબંદરમાં ઠંડીનો પારો 12 ડિગ્રી રહ્યો છે. ભાવનગર અને વેરાવળમાં ઠંડીનો પારો 14 તો કચ્છના નલિયામાં ઠંડીનો પારો 7.2 ડિગ્રી રહ્યો છે.