IMD Alert North Gujarat : અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય નામના ચક્રવાતે ગુજરાત અને રાજસ્થાનને બરાબરનું ધમરોળ્યું હતું. ગુજરાતમાં કચ્છમાં તો દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડાએ રીતસરનો કહેર વરસાવ્યો હતો. હજી આ તારાજીમાંથી ગુજરાત બહાર નથી આવ્યુ ત્યાં ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે. હવામાન વિભાગે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. દક્ષિણ રાજસ્થાન, ઉત્તર ગુજરાતના આસપાસના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.


ચક્રવાત બાયપરજોય હવે નબળું પડ્યું - IMD


ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, ચક્રવાત બિપરજોય હવે નબળું પડી ગયું છે અને તે પૂર્વ-ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, ઉત્તર ગુજરાતના આજુબાજુના વિસ્તારોમાં અને દક્ષિણ રાજસ્થાન સહિત એક-બે જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ચક્રવાતને કારણે માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ વરસાદ થઈ રહ્યો છે.


ચક્રવાતની અસરને કારણે રાજસ્થાન અને ગુજરાતમાં જ વરસાદ


ચક્રવાત બિપરજોયના કારણ નૈઋત્યનું ચોમાસુ નબળું પડશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવતી હતી. તેના પર પૂર્ણવિરામ મુકતા ડો. મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે, ચોમાસાને આ ચક્રવાત સાથે કોઈ જ લેવાદેવા નથી. ચોમાસું તેના નિર્ધારીત સમય પ્રમાણે જ ધીમે ધીમે આગળ વધી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. અગાઉ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે બિપર્જોય ચક્રવાતના કારણે ભારતમાં ચોમાસું 4 સપ્તાહ મોડું થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે, 16 જૂનના રોજ દક્ષિણપૂર્વ પાકિસ્તાન અને તેની નજીકના દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને કચ્છ પર આવેલું ચક્રવાત ડીપ ડિપ્રેશનમાં નબળું પડી ગયું છે. જેના કારણે કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના હોવાનું તેમણે જણાવ્યું હતું. ચક્રવાતને કારણે માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ વરસાદ પડી રહ્યો છે.


રાજસ્થાનમાં શનિવારે સવારે પણ ભારે વરસાદ


હવામાન વિભાગે શનિવારે બાડમેર, જાલોર, સિરોહી અને પાલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત બાડમેરથી પસાર થતી 14 ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે ઉદયપુરથી દિલ્હી અને મુંબઈની બે ફ્લાઈટ પણ રદ કરવામાં આવી છે. જ્યારે પાકિસ્તાન સરહદે આવેલા બાડમેરના 5 ગામોના 5,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતાં.