Lok Sabha Election 2024: આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીને લઈ વિપક્ષ અત્યારથી જ એકજૂટ થવાના પ્રયાસ કરી રહ્યું છે ત્યારે બીજી તરફ ભાજપે પણ લોકસભા ચૂંટણીને લઈ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દિધી છે. ભારતીય જનતા પાર્ટીને આશા છે કે ફરી એક વખત પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના ચહેરા પર તેમને સત્તા મળશે. 


બ્રિટિશ અખબાર ધ ઈકોનોમિસ્ટ (The Economist)એ દાવો કર્યો છે કે પીએમ મોદી દુનિયાના સૌથી પ્રસિદ્ધ નેતા છે. એવામાં તેઓ ફરી ચૂંટણી જીતી શકે છે. ધ ઈકોનોમિસ્ટે ગણેશ કનૌજિયા નામના એક વ્યક્તિનું ઉદાહરણ આપતા જણાવ્યું કે તેઓ અનુસૂચિત જાતિમાંથી આવે છે અને ઓટો રિક્ષા ચલાવે છે. 


શું દાવો કર્યો ?


અખબારે દાવો કર્યો કે કનૌજિયા કૉંગ્રેસને મત આપે છે, પરંતુ તેઓ આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને મોદીના કારણે મત આપશે. ન્યૂઝ પેપરે આગળ જણાવ્યું કે પાછળની બંને લોકસભા ચૂંટણીમાં  ભાજપે સરકાર બનાવી, પરંતુ પાર્ટી હજુ પણ અડધાથી ઓછા રાજ્યોમાં સરકારમાં છે. જ્યારે પણ લોકસભા ચૂંટણીની વાત આવે છે તો બધુ જ બદલાઈ જાય છે. 


પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ 77 ટકાથી વધુ


ધ ઈકોનોમિસ્ટે લખ્યું છે કે પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ 77 ટકાથી વધુ છે જે તેમની પાર્ટી ભારતીય જનતા પાર્ટીના એપ્રુવલ રેટિંગ કરતા બમણું છે. તેઓ વિશ્વના સૌથી લોકપ્રિય ચૂંટાયેલા નેતા છે. જણાવી દઈએ કે વર્ષ 2014 અને 2019માં થયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપે પીએમ મોદીના ચહેરા પર ચૂંટણી જીતી હતી. અખબારે લખ્યું કે અડધાથી વધુ રાજ્યોમાં ભાજપની સરકાર નથી, પરંતુ જ્યારે લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે બધું બદલાઈ જાય છે.



વિરોધ પક્ષો પણ પ્રયાસ કરી રહ્યા છે


બીજી તરફ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિપક્ષી પાર્ટીઓની ભાવિ રણનીતિને લઈને 23 જૂને પટનામાં બેઠક બોલાવી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવાર અને સીએમ નીતિશ કુમાર પોતે તેને સમયની જરૂરિયાત ગણાવી છે.


ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા નેતાઓ આ બેઠકમાં ભાગ લઈ શકે છે.