Prime Minister Museum: નવી દિલ્હીમાં સ્થિત નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરીનું નામ બદલીને વડાપ્રધાન મ્યુઝિયમ અને લાઈબ્રેરી રાખવામાં આવ્યું છે. હવે આ નિર્ણયને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના વિરોધ બાદ હવે શિવસેના (યુબીટી)એ પણ મ્યુઝિયમના નામ બદલવાની નિંદા કરી છે. શિવસેના (UBT)ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આ લોકો ઈતિહાસને ભૂંસી નાખવા માંગે છે.
નેહરુ મ્યુઝિયમનું નામ બદલાતા સંજય રાઉત લાલચોળ
રાઉતે કહ્યું, હું સંમત છું કે અન્ય વડાપ્રધાનોને મ્યુઝિયમમાં સ્થાન મળવું જોઈએ. આ દેશમાં બીજા પણ વડાપ્રધાન થયા છે. અટલજી, ઈન્દિરાજી, લાલ બહાદુર શાસ્ત્રી, બધાએ દેશ માટે કામ કર્યું છે. તે મ્યુઝિયમમાં એવો વિભાગ હોવો જોઈએ કે જેમાં અન્ય વડાપ્રધાનોની કૃતિઓને પણ સ્થાન મળે, પરંતુ મ્યુઝિયમનું નામ બદલવાની જરૂર નથી.
જેમણે દેશને બનાવ્યો તેઓનો નાશ કરવા માગે છે - સંજય રાઉત
શિવસેના (UBT) નેતાએ વધુમાં કહ્યું કે માત્ર પંડિત નેહરુના નામ પર જ તે વડાપ્રધાનનું મ્યુઝિયમ બની શક્યું હોત. દેશના પ્રથમ વડાપ્રધાન અને સ્વાતંત્ર્ય સેનાની તરીકે પંડિત નેહરુનું કામ ઘણું મોટું રહ્યું છે, આવી સ્થિતિમાં આ પંડિત જવાહર લાલ નેહરુ વડાપ્રધાન મ્યુઝિયમનું નામ તેમના નામ પર રાખી શકાયું હોત, પરંતુ તમે લોકો (ભાજપ) ઈતિહાસ ખતમ કરવા માગો છો. તમે આપણા બધા જૂના હીરોને ખતમ કરવા માંગો છો જેમણે દેશ બનાવ્યો હતો, તેથી જ આવું થઈ રહ્યું છે.
નેહરુજી- કોંગ્રેસની સામે મોદીજીનું કદ નાનું છે
કોંગ્રેસના નેતા ગૌરવ વલ્લભે કહ્યું કે નેહરુજીની સામે મોદીજીનું વ્યક્તિત્વ હજુ પણ નાનું છે. તેમને લાગે છે કે બોર્ડમાંથી નેહરુજીનું નામ હટાવવાથી નહેરુજીનું વ્યક્તિત્વ ઘટશે. નેહરુજી એ વ્યક્તિ છે જેમને દેશના લોકો આધુનિક ભારતના શિલ્પકાર માને છે. 1947માં, નેહરુજીએ IIT, IIM, DRDO, ISRO, ભાકરા-નાંગડા ડેમ અને AIIMSની કલ્પના કરી હતી.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિવેદનનો ઉલ્લેખ કરતા ગૌરવ બલ્લભે કહ્યું કે નાના મનથી કોઈ મોટું નથી બની શકતું અને તમે નાના મનનો પરિચય દેશને આપ્યો છે. તમે બોર્ડમાંથી પંડિતજીનું નામ ભલે ભૂંસી નાખો, પરંતુ 140 કરોડ લોકોના મનમાંથી તેમનું નામ ભૂંસી નહીં શકો.