Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી, દિલ્હીમાં આજે વરસાદની આગાહી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Jan 2021 08:48 AM (IST)
વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે 2થી પાંચ જાન્યુઆરી વચ્ચે દિલ્હીમાં માવઠું પડવાનું પૂર્વાનુમાન છે.
ફાઈલ ફોટો
નવી દિલ્હી: ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારમાં શીત લહેરના કારણે કડકડતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગ અનુસાર હાડ થીજવતી ઠંડીનો સામનો કરી રહેલા ઉત્તર ભારતના તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયના વધારા સાથે ત્રણ જાન્યુઆરીથી રાહત મળવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, અફઘાનિસ્તાન અને તેની આસપાસ સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 48 કલાકમાં ચક્રવાતનો પ્રવાહ પાકિસ્તાન તરફ વધવાની સંભાવના છે. એવામાં 4થી 6 જાન્યુઆરી દરમિયાન પશ્ચિમી હિમાચલ ક્ષેત્રમાં વરસાદ તથા બરફવર્ષા પડી શકે છે. જમ્મુ કાશ્મીરમાં પણ વરસાદ અને વરફવર્ષા થઈ શકે છે. દિલ્હીમાં 2 થી 6 જાન્યુઆરી વચ્ચે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું કે, ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારમાં શીત લહેર ચાલી રહી છે. પંજાબ,હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં આગામી 24 કલાક દરમિયાન આ સ્થિતિ રહેશે. દિલ્હીમાં 15 વર્ષમાં સૌથી ઓછું તાપમાન દિલ્હીમાં ઠંડીના પ્રકોપની વચ્ચે ન્યૂનતમ તાપમાન 15 વર્ષમાં સૌથી ઓછું 1.1 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. આ પહેલા 8 જાન્યુઆરી 2006ના રોજ શહેરમાં ન્યૂનતમ તાપમાન 0.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ન્યૂયનત તાપમાન 4-5 જાન્યુઆરીએ 8 ડિગ્રી સેલ્સિયસ પહોંચવાનું અનુમાન છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે 2થી પાંચ જાન્યુઆરી વચ્ચે માવઠું પડવાનું પૂર્વાનુમાન છે. હરિયાણા અને પંજાબમાં ન્યૂનતમ તાપમાન શૂન્યથી 1.2 ડિગ્રી સેલ્સિયસ નીચે પહોંચી ગયું છે. હરિયાણાના નારનોલમાં તાપમાન શૂન્યથી 0.2 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું. કાશ્મીરમાં પણ કડકડતી ઠંડી યથાવત છે. હવામાન અધિકારીઓ અનુસાર ઉત્તર કાશ્મીરના ગુલમર્ગમાં તાપમાન શુન્યથી નવ ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું હતું.