નવી દિલ્હીઃ ચોમાસાના કારણે દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર ભારતમાં મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ નબળુ પડી શકે છે.


આ ઉપરાંત હવામાન વિભાગે કહ્યું કે, ભારતમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળ, સિક્કીમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, તટીય આંધ્રપ્રદેશ, ઉત્તર આંતરિક કર્ણાટકા, મરાઠાવાડાના કેટલાક ભાગો, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, લક્ષદ્વીપના કેટલાક ભાગો પર ચોમાસુ સક્રિય બનશે, એટલે કે આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે.



રિપોર્ટ પ્રમાણે, ઓડિશા અને બિહારના કેટલાક ભાગોમાં સારો એવો વરસાદ પડી શકે છે. પૂર્વીય અને દક્ષિણી મધ્યપ્રદેશ, તટીય વિસ્તારોમાં વરસાદ પડશે. હવામાન વિભાગે આ અગાઉ 22 જુલાઇએ ભારે વરસાદ પડવાનુ અનુમાન લગાવ્યુ હતુ. જેમાં પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓ સામેલ હતા. ભારે વરસાદથી બંગાળમાં કેટલીક જગ્યાએ નદીઓ બે કાંઠે વહેતી થઇ જતા ભયનો માહોલ સર્જાયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભારે વરસાદ પડવાથી કેટલાક નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઇ ગયુ હતુ. આજે પણ દિલ્હીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.