નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં કાતિલ ઠંડી પડી રહી છે પરંતુ હવામાન વિભાગનું અનુમાન છે કે ઠંડી હવે નહીં વધે. છેલ્લા ચાર દિવસમાં દિલ્હીમાં લઘુત્તમ તાપમાનમાં લગભગ ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, શુક્રવારે વહેલી સવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન સાત ડિગ્રી અને મહત્તમ તાપમાન 18 ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ગાઢ ધુમ્મસની સ્થિતિ યથાવત રહેશે. દિલ્હી-એનસીઆરથી લઈને ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ ભારત સુધી લોકોને આગામી ચાર દિવસ સુધી ઠંડીની લહેરથી રાહત મળવાની અપેક્ષા નથી. હવામાન વિભાગ (IMD) અનુસાર, લુધિયાણા, પંજાબમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 3.1 ડિગ્રી નોંધાયું હતું. સોનીપત, ઝજ્જર, નારનૌલ, જીંદ, રેવાડી સહિત હરિયાણાના ઘણા સ્થળોએ ઠંડીનું મોજું યથાવત છે.
દિલ્હીમાં હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ધુમ્મસનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે આગામી બે દિવસ સુધી સવારે ગાઢ ધુમ્મસ રહેશે, જેને જોતા શનિવાર માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં ગુરુવારે ઠંડીમાં આંશિક ઘટાડો થયો હતો. સમગ્ર ગુજરાતમાં 11.2 ડિગ્રીથી લઈને 19.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું. જોકે, 11.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું હતું.
ઓછી વિઝિબિલિટીના કારણે ઘણી ફ્લાઈટ્સ મોડી પડી છે અને કેટલીક ફ્લાઈટ્સ IGI એરપોર્ટ પર કેન્સલ થઈ છે. દિલ્હીમાં વધતી ઠંડીથી બચવા બેઘર લોકો નાઈટ શેલ્ટરમાં રહે છે. સવારે ગાઢ ધુમ્મસને કારણે પાલમ હવામાન કેન્દ્રમાં વિઝિબિલિટી લેવલ ઘટીને 50 મીટર થઈ ગયું હતું. ધુમ્મસના કારણે દિલ્હી આવતી 18 ટ્રેનો મોડી ચાલી રહી છે. IMDએ ‘X’ પરની એક પોસ્ટમાં જણાવ્યું કે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સવારે 12:30 થી સવારે 6:30 સુધી ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું.
શિયાળામાં કચ્છના વિસ્તારોમાં ઠંડી વધુ રહેતી હોય છે. ચાલુ વર્ષે વેસ્ટન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે. અરબી સમુદ્રમાંથી ભેજ આવતા વારંવાર વાદળ છાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. વાદળો આવવાના કારણે ઠંડીમાં વઘ ઘટ થઇ રહી છે. હજુ પણ આગામી પાંચ દિવસ તાપમાન અને વાતાવરણ યથાવત રહેશે.