કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી નજીક આવવાની સાથે જ નેતાઓ પાર્ટી બદલી રહ્યા છે. અમિત શાહના પ્રવાસ વખતે ટીએમસીના દિગ્ગજ નેતા શુભેંદુ અધિકારી ભાજપમાં સામેલ થયા હતા. જે બાદ હવે ભાજપને ઝટકો લાગ્યો છે. બંગાળથી બીજેપી સાંસદ સૌમિત્ર ખાનના પત્ની સુજાતા મંડલ ખાને ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો છે. તે ટીએમસીમાં સામેલ થઈ ગઈ છે. સૌમિત્ર ખાન બંગાળમાં બીજેપી યુવા મોર્ચાના અધ્યક્ષ પણ છે.

સુજાતા મંડલ ખાન ટીએમસીમાં જોડાયા હોવાની જાહેરાત પ્રવક્તા કૃષાલ ઘોષે કરી હતી. પાર્ટીમાં સામેલ થયા બાદ સુજાતા ખાને કહ્યું, મેં રાજ્યમાં પાર્ટીને મજબૂત કરવાનું કામ કર્યુ છે, પણ હવે ભાજપમાં કોઇ સન્માન રહ્યું નથી. એક મહિલા હોવાના કારણે મારા માટે પાર્ટીમાં રહેવું મુશ્કેલ હતું.



આ સમગ્ર ઘટનાક્રમ પર હજુ સુધી સૌમિત્ર ખાનની કોઇ પ્રતિક્રિયા આવી નથી. મમતા બેનર્જીના ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે ભાજપને લઇ મોટો દાવો કર્યો છે. સોમવારે સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે બંગાળમાં ભાજપ માટે બે આંકડાનો આંક પાર કરવો પણ મુશ્કેલ બનશે. તેમણે કહ્યું હતું કે આ પોસ્ટને સાચવીને રાખો, જો ભાજપ આ દાવા કરતાં કંઈક સારું કરી શકે છે, તો આ જગ્યા છોડી દઇશ.

ગૃહમંત્રી અમિત શાહ શનિવારે અને રવિવારે બંગાળની મુલાકાતે હતા. મમતા બેનર્જીના ખાસ રહેલા પૂર્વ મંત્રી શુભેંદુ અધિકારીએ શાહની ઉપસ્થિતિમાં શનિવારે ભાજપમાં સામેલ થયા હતા. સાંસદ સુનીલ મંડલ, પૂર્વ સાંસદ દશરથ તિર્કી અને 10 ધારાસભ્ય પણ ભાજપમાં જોડાયા હતા, જેમાંના 5 ધારાસભ્ય તૃણમૂલ કોંગ્રેસના છે. આ બાબતે શાહે કહ્યું હતું કે ચૂંટણી આવતાં આવતાં દીદી એકલાં રહી જશે.

ધાનાણીના ગઢમાંથી વધુ એક વિકેટ પડી, સાવરકુંડલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે રાજીનામું આપીને કોના પર કર્યો આક્ષેપ ?