કોલકાતા: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસના નેતૃત્વવાળી સરકારે ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કરી દીધો છે. આ પહેલા પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, કેન્દ્રએ ત્રણ કાયદા પરત લેવા જોઈએ અથવા તો સત્તા છોડી દેવી જોઈએ.

આજે સદનમાં સંસદીય કાર્યમંત્રી પાર્થ ચેટર્જી દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા હતો. પ્રસ્તાવને લઈ વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. ભાજપે કહ્યું કે, તૃણમુલ કૉંગ્રેસ સરકાર કાયદા વિરુદ્ધ ભ્રામક અભિયાન ચલાવી રહી છે. બાદમાં ‘જય શ્રી રામ’નો નારો લગાવતા ભાજપે વિધાનસભાાંથી વોકઆઉટ કર્યું હતું.

આ ઉપરાંત ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાને લઈ મમતા બેનર્જીએ કહ્યું કે, તેના માટે દિલ્હી પોલીસને દોષ આપવો જોઈએ. દિલ્હી પોલીસ શું કરી રહી હતી ? આ ગુપ્ત એજન્સીની નિષ્ફળતા છે. ખેડૂતોને ગદ્દાર ગણાવવાને ક્યારે સહન નહીં કરીએ. તેઓ આ દેશની સંપત્તિ છે.


ઉલ્લેખનીય છે કે, ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ પંજાબ, રાજસ્થાન, છત્તીસગઢ, કેરળ, દિલ્હી અને પુડુચેરીની સરકાર પણ પ્રસ્તાવ પાસ કરી ચૂકી છે. કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદ પર ખેડૂતો છેલ્લા બે મહિનાથી પ્રદર્શન કરી રહ્યાં છે અને આ કાયદાને પરત લેવાની માંગ કરી રહ્યાં છે.