One Nation One Police: પશ્ચિમ બંગાળમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના મુદ્દે શાસક ટીએમસી (TMC) અને વિપક્ષ ભાજપ (BJP) સામસામે છે. આ દરમિયાન ભાજપ  નેતા સુવેંદુ અધિકારીએ મોટો દાવો કર્યો છે. તેમણે સોમવારે (22 મે) કહ્યું કે જૂલાઈ મહિનામાં વન નેશન, વન પોલીસનો કાયદો આવી રહ્યો છે. ત્યારે મમતા બેનર્જી શું કરશે ? પોલીસ વિભાગ તેમના હાથમાંથી નીકળી જશે.


 




ભાજપના દિગ્ગજ નેતા સુવેંદુ  અધિકારીએ કહ્યું કે આજે બંગાળની સ્થિતિ યુક્રેન કરતા પણ ખરાબ છે. રશિયા હવે ત્યાં હુમલો નથી કરી રહ્યું, પરંતુ અહીં દરરોજ હુમલા થઈ રહ્યા છે. આ વખતે ભાજપ 400થી વધુ સીટો જીતશે. તેમણે ટીએમસી નેતા અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પર પણ નિશાન સાધ્યું હતું. અધિકારીએ કહ્યું કે અભિષેક બેનર્જી રાજકારણમાં હાલમાં  નાસમજ રાજકારણી છે.


અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું


કોલકાતામાં અરવિંદ કેજરીવાલના આગમન અંગે ભાજપના નેતાએ કહ્યું કે, મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં ભ્રષ્ટાચારીઓનું ગઠબંધન છે. વન નેશન વન પોલીસનો કાયદો આવવાનો છે. કેબિનેટે ડ્રાફ્ટ પસાર કર્યો છે, તેઓ (અરવિંદ કેજરીવાલ) આ કાયદાને રોકવાનું કાવતરું ઘડી રહ્યા છે.



અવૈધ ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થતા સામસામે


આ વખતે ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટની ઘટનાઓને લઈને ભાજપ અને ટીએમસી આમને-સામને છે. વાસ્તવમાં પશ્ચિમ બંગાળમાં છેલ્લા એક સપ્તાહમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટની બે ઘટનાઓ સામે આવી છે. દક્ષિણ 24 પરગણા જિલ્લાના બજબુજ વિસ્તારમાં ગેરકાયદે ફટાકડાના કારખાનામાં થયેલા વિસ્ફોટમાં એક સગીર અને બે મહિલાઓના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.


NIA તપાસની માંગ કરી છે


આ પહેલા 16 મેના રોજ પૂર્વ મેદિનીપુરના એગ્રા વિસ્તારમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 12 લોકોના મોત થયા હતા. સુવેંદુ અધિકારીએ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું અને એગ્રા બ્લાસ્ટ જેવી ઘટનાની NIA તપાસની માંગ કરી. બીજેપીએ આરોપ લગાવ્યો છે કે જ્યારે પણ બ્લાસ્ટ થાય છે ત્યારે સૌથી પહેલા ખબર પડે છે કે બ્લાસ્ટ ફટાકડાની ફેક્ટરીમાં થયો હતો, પરંતુ જ્યારે તપાસ કરવામાં આવે છે ત્યારે જાણવા મળે છે કે તે બોમ્બ બનાવવાની ફેક્ટરી હતી અને તેની કડીઓ આતંકી સંગઠન સાથે છે. 


મુખ્યમંત્રીએ વળતો પ્રહાર કર્યો


આ ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જી કથિત શાળા ભરતી કૌભાંડની તપાસના સંદર્ભમાં ગયા શનિવારે કોલકાતામાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) સમક્ષ હાજર થયા હતા. જે બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે નિરંકુશ કેન્દ્ર સરકારનું એજન્સી-રાજ અમારા કામને પડકારજનક બનાવે છે. ભાજપ દ્વારા NIA તપાસની માંગ પર મુખ્યમંત્રીએ કહ્યું હતું કે NIA તપાસમાં કોઈ સમસ્યા નથી. જો આ દ્વારા ન્યાય મળે તો મને શા માટે વાંધો છે.