કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કૉંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ રાજ્યસભા ચૂંટણી માટે ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં દિનેશ ત્રિવેદી, મૌસમ નીર, અર્પિતા ઘોષ, સુબ્રતો બક્ષી સામેલ છે.


મમતા બેનર્જીએ ટ્વિટ કરતા કહ્યું, મને રાજ્યસભા માટે તૃણમૂલ કૉંગ્રેસ તરફથી અર્પિતા ઘોષ, મૌસમ નૂર, દિનેશ ત્રિવેદી અને સુબ્રતો બક્ષીને ઉમેદવાર જાહેર કરતા ખુશી થાય છે. મહિલા સશક્તિકરણની દિશામાં મારા તરફથી કરવામાં આવેલા પ્રયાસના હિસ્સા તરીકે મને ગર્વ છે કે અમારા ઉમેદવારોમાં અડધી મહિલાઓ છે.

પ્રશાંત કિશોર હાલમાં જ નીતિશ કુમારની પાર્ટી જેડીયૂમાંથી અલગ થયા છે. અટકળો ચાલી રહી હતી કે પીકે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીથી રાજ્યસભામાં એન્ટ્રી લઈ શકે છે. જો કે, હવે આ અટકળો પર પૂર્ણવિરામ લાગી શકે છે.

રાજ્યસભામાં પશ્ચિમ બંગાળની કુલ 16 સીટ છે. જેમાંથી પાંચ સીટ પર ચૂંટણી થવાની છે. હાલમાં 16માંથી 13 સીટ પર ટીએમસીના સાંસદો છે. જ્યારે બે સીટ કોંગ્રેસના ખાતામાં અને એક અપક્ષ ઉમેદવાર પાસે આ સીટ છે.