Bengal SSC Scam : પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીની મંત્રીમંડળમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. તેમને મંત્રી પદેથી દૂર કરાયા છે. 






પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડની તપાસમાં રોકાયેલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમને પશ્વિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના બીજા ઘરેથી પણ ચલણી નોટનો ઢગલો મળી આવ્યો છે.  EDએ અર્પિતા મુખર્જીના બીજા ઘરમાંથી 28 કરોડ 90 લાખ રૂપિયા રોકડ અને લગભગ 5 કિલો સોનું જપ્ત કર્યું છે. પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીની કાળી કમાણીનાં રહસ્યનો બીજો દરવાજો ખુલી ગયો છે. અગાઉ ટોલીગંજ અને હવે બેલઘરિયામાં અર્પિતા મુખર્જીનો આ બીજો ફ્લેટ છે જ્યાંથી નોટનો ઢગલો મળી આવ્યો છે. આ નોટો પ્લાસ્ટિકની થેલીઓમાં રાખવામાં આવી હતી.


આ રોકડ ગણવા માટે અનેક મશીનો મંગાવવામાં આવ્યા હતા. અહીંથી EDને 28 કરોડ 90 લાખ રૂપિયા રોકડા મળ્યા હતા, જેની ગણતરી કરવામાં આવી હતી. લગભગ 5 કિલો સોનું પણ મળી આવ્યું છે. અર્પિતા મુખર્જીના નામ પર આવા બે ફ્લેટ છે, એક બ્લોક-5 અને બીજો ફ્લેટ બેલઘરિયાના રથાલા વિસ્તારના બ્લોક નંબર-5 છે. પશ્ચિમ બંગાળ શિક્ષક કૌભાંડના માસ્ટર માઇન્ડ ગણાતા મંત્રી પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જી EDની કસ્ટડીમાં છે.


નોટો ગણવા માટે 5 મશીન મંગાવ્યા


ઇડીની ટીમ સમક્ષ અર્પિતા મુખર્જી સતત કાળા નાણાના રહસ્યનો પર્દાફાશ કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મુખર્જીએ કોલકાતાની આસપાસની તેમની સંપત્તિ વિશે EDને માહિતી આપી છે. EDને અર્પિતાના અન્ય ફ્લેટમાંથી જંગી રોકડ મળી હતી, ત્યારબાદ EDના અધિકારીઓએ બેંક અધિકારીઓને ફ્લેટમાં બોલાવ્યા હતા. નોટોનો સ્ટોક એટલો મોટો હતો કે નોટો ગણવા માટે પાંચ મશીનો મંગાવવામાં આવ્યા હતા. ઇડીને રૂપિયા ગણતા 10 કલાકનો સમય લાગ્યો છે. 


EDએ બેલઘરિયામાં અર્પિતાના બે ફ્લેટ પર દરોડા પાડ્યા 


EDએ બેલઘરિયા વિસ્તારમાં અર્પિતા મુખર્જીના બે ફ્લેટ પર દરોડા પાડ્યા. એક ફ્લેટમાંથી કરોડો રૂપિયાની રોકડ સાથે 2 કરોડ રૂપિયાના દાગીના મળી આવ્યા છે. ફ્લેટની તપાસ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા હતા. વસૂલ કરાયેલી નોટોને સરકારી તિજોરીમાં લઈ જવા માટે અનેક બોક્સ મંગાવવામાં આવ્યા હતા, જે એક ટ્રક દ્વારા લાવવામાં આવ્યા હતા. શિક્ષક ભરતી કૌભાંડને લઈને પશ્ચિમ બંગાળનું રાજકારણ ગરમાયું છે.


1000 કરોડથી વધુનું કૌભાંડ છે


આ કૌભાંડના ખુલાસા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે મોટી મુશ્કેલી ઉભી થઈ છે. પાર્થ ચેટરજીની ધરપકડે મમતાને ભીંસમાં લાવી દીધા છે. ભાજપના નેતા દિલીપ ઘોષે દાવો કર્યો છે કે શિક્ષક ભરતી કૌભાંડ 40-50 કરોડનું નથી પરંતુ 1000 કરોડથી વધુનું છે. બંગાળ ભાજપ આજે કૌભાંડના વિરોધમાં રેલી કાઢશે.


આ દરમિયાન મમતા બેનર્જીએ ફરી એકવાર ભાજપ પર પ્રહારો કર્યા છે. તેમણે સુરક્ષા એજન્સીઓના ઉપયોગ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે ભાજપ એજન્સીનો ઉપયોગ કરી રહી છે. બંગાળને તોડવું સરળ નથી કારણ કે અહીં તમારે પહેલા રોયલ બંગાળ ટાઈગર સામે લડવું પડશે. ભાજપના નેતા મિથુન ચક્રવર્તીએ પણ પાર્થ ચેટરજીની ધરપકડને લઈને મમતા સરકારને ઘેરી છે.