પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે કહ્યું હતું કે, 'પેગાસસ' બનાવતી સાયબર સિક્યોરિટી કંપનીએ 4-5 વર્ષ પહેલાં બંગાળ રાજ્યની પોલીસનો સંપર્ક કર્યો હતો અને માત્ર 25 કરોડ રૂપિયામાં આ વિવાદાસ્પદ ઇઝરાયેલી સ્પાયવેર સપ્લાય કરવાની ઓફર કરી હતી, પરંતુ જ્યારે તેમને આ વિશે જાણ થઈ ત્યારે તેમણે ઓફર નકારી દીધી હતી. બેનર્જીએ દાવો કર્યો હતો કે, કેન્દ્ર સરકારે સ્પાયવેર ખરીદ્યું હતું અને તેનો ઉપયોગ દેશની સુરક્ષા માટે કરવાને બદલે "રાજકીય" લાભ માટે ન્યાયાધીશો અને અધિકારીઓ સામે કર્યો હતો.


મમતા બેનર્જીનો દાવોઃ
મમતા બેનર્જીએ રાજ્ય સચિવાલયમાં દાવો કર્યો કે, “તેઓએ (NSO, પેગાસસના નિર્માતાએ) દરેકને તેમનો સામાન (પેગાસેસ) વેચવા માટે સંપર્ક કર્યો હતો. તેઓએ ચાર-પાંચ વર્ષ પહેલા અમારી પોલીસનો પણ સંપર્ક કર્યો હતો અને તેને 25 કરોડમાં વેચવાની ઓફર કરી હતી. જ્યારે મને માહિતી મળી ત્યારે મેં કહ્યું કે, અમને તેની જરૂર નથી. મમતા બેનર્જીએ કહ્યું કે, તેમની સરકારે પેગાસેસને ખરીદવાનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો, કારણ કે તેનાથી લોકોની પ્રાયવસી (વ્યક્તિગત) ગોપનીયતા પર અસર થશે.


પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું, “જો તેનો ઉપયોગ દેશના લાભ અથવા સુરક્ષા માટે કરવામાં આવ્યો હોત તો તે સંપૂર્ણપણે અલગ બાબત હોત, પરંતુ તેનો ઉપયોગ રાજકીય હેતુઓ માટે, ન્યાયાધીશો, અધિકારીઓ વિરુદ્ધ કરવામાં આવ્યો હતો, જે બિલકુલ સ્વીકાર્ય નથી." આ દરમિયાન મમતાએ દાવો કર્યો હતો કે, ચંદ્રબાબુ નાયડુના કાર્યકાળ દરમિયાન આંધ્ર પ્રદેશ સરકારે આ સ્પાયવેર ખરીદ્યું હતું. જો કે, તેલુગુ દેશમ પાર્ટીએ આ દાવાને નકારી કાઢ્યો અને કહ્યું કે, ચંદ્રાબાબુ નાયડુ સરકારે આવું કોઈ સ્પાયવેર નથી ખરીદ્યુ.


નાયડુ સરકારમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી રહી ચૂકેલા લોકેશે મમતા બેનર્જીના દાવા પર કહ્યું, "મને ખબર નથી કે તેમણે ખરેખર આવું કહ્યું છે કે નહીં, અને જો હા, તો ક્યાં અને કયા સંદર્ભમાં. જો મમતાએ આમ કહ્યું છે, તો ચોક્કસ તેમને ખોટી માહિતી આપવામાં આવી છે." લોકેશે કહ્યું, "હા, પેગાસસની કંપનીએ આંધ્ર પ્રદેશ સરકારને તેનું સ્પાયવેર વેચવાની ઓફર પણ કરી હતી, પરંતુ અમે તેને નકારી કાઢી હતી."