Mamata Banerjee Oath Ceremony: ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જી આજે ત્રીજી વખત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે રાજભવનમાં શપથ લેશે. કોવિડ મહામારીને કારણે શપથ ગ્રહણ સમારોહ સાદગીભર્યો હશે. પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય, વિપક્ષના નેતા અબ્દુલ મન્નાન અને સીપીએના વરિષ્ઠ નેતા બિમાન બોસને કાર્યક્રમનું નિમંત્રણ મોકલવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં BCCIના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી અને બંગાળ ભાજપના અધ્યક્ષ દિલિપ ઘોષને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. મહામારીની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અન્ય રાજનીતિક પક્ષના નેતાઓને સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી.


ટીએમસીના સૂત્રોનું કહેવું છે કે, રાજભવનમાં પાંચ મેના રોજ સવારે 10-45 કલાકે થનાર શપથગ્રહણ સમારોહમાં પાર્ટીના સાંસદ અભિષેક બેનર્જી, ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર અને પાર્ટીના વરિષ્ઠ નેતા ફિરહાદ હાકિમ પણ જોડાવવાની શક્યતા છે. શપથ ગ્રહણ બાદ તરત જ મમતા બેનર્જી રાજ્ય સવિવાલય જશે, જ્યાં તેમને કોલકાતા પોલીસ સલામી આપશે.


મમતા બેનર્જી પોતે નંદીગ્રામથી ચૂંટણી હારી ગયા હતા, પરંતુ તે ત્રીજીવાર બંગાળના CM બનવા જઈ રહ્યા છે. જોકે, 66 વર્ષીય મમતા બેનર્જીને બીજી કોઈ સીટ પરથી ચૂંટણી લડવી પડી શકે એમ છે. આની પહેલા મમતાએ 20મે 2011ના રોજ પ્રથમવાર અને 27મે 2016ના રોજ બીજીવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.


મમતા બેનર્જીને 3 મેના રોજ પાર્ટી વિધાયક સંઘના નેતા ચૂંટવામાં આવ્યા હતા. આ બેઠક પૂર્ણ થયા પછી મમતાએ જણાવ્યું હતું કે શપથ ગ્રહણ કાર્યક્રમ સામાન્ય રાખવામાં આવશે.


2 મેના રોજ ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરીને TMC ફરી એકવાર સત્તામાં આવ્યું છે. જોકે, પરિણામ પછી ઘણા વિસ્તારમાં ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક ઘર્ષણ પણ થયું હતું.


બંગાળે સતત 1950થી 17 વર્ષો સુધી કોંગ્રેસને સત્તા સોંપી હતી. બાદમાં 1977માં લેફ્ટિસ્ટને ચૂંટ્યા હતા. ત્યારપછી બંગાળે લેફ્ટને સાત ચૂંટણીમાં વિજળ અપાવ્યો હતો. લેફ્ટે CPMની આગેવાની હેઠળ પૂર્ણ બહુમતથી 34 વર્ષ સુધી શાસન કર્યું હતું.


લેફ્ટનું કાર્યકાળ પુરૂ થતા મમતાની તૃણમૂલને સત્તા મળી હતી અને તેઓ છેલ્લા 10 વર્ષથી બંગાળમાં શાસન કરી રહી છે. આ વખતે પણ તેઓએ પૂર્ણ બહુમત પ્રાપ્ત કર્યું છે.