નવી દિલ્હી:  દેશમાં કોરોના વાયરસનો કહેર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. કોરોનાની બીજી લહેર ઘાતક છે.  ચૂંટણી પંચે તાત્કાલિક અસરથી પશ્ચિમ બંગાળમાં રોડ શો અને વાહન રેલી પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રતિબંધની સાથે ચૂંટણી પંચે એમ પણ કહ્યું હતું કે, ઘણા રાજકીય પક્ષના ઉમેદવારો જાહેર કાર્યક્રમોમાં સલામતીનાં ધારાધોરણોનું પાલન કરતા નથી. ચૂંટણી પંચે કહ્યું કે કોઈપણ વિધાનસભામાં 500 થી વધુ લોકો હાજર રહી શકશે નહીં.



ગુરુવારે કોલકાતા હાઈ કોર્ટે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોવિડ -19 વિરોધી નિયમોના અમલીકરણ માટે ગુરુવારે ચૂંટણી પંચ સામે નારાજગી વ્યક્ત કરી હતી. ચૂંટણી દરમિયાન કોર્ટે એન્ટી કોવિડ પ્રોટોકોલના અમલીકરણની વિનંતી કરતી ત્રણ પીઆઈએલની સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે, કોવિડ સુરક્ષા અંગે પરિપત્રો જારી કરવા અને મીટિંગો યોજવી પર્યાપ્ત નથી અને નિયમોના અમલના પગલા અંગે શુક્રવાર સુધી એફિડેવિટ દાખલ કરવી જ જોઇએ. કોર્ટે કહ્યું, 'ભારતીય ચૂંટણી પંચ અને પશ્ચિમ બંગાળમાં તેના અધિકારીઓએ તેમના પરિપત્રો બહાર પાડ્યા છે તે રેકોર્ડ પર રાખવામાં આવેલી આ સામગ્રીથી અમે સંતુષ્ટ નથી.'


નોધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ કુલ 8 તબક્કામાં યોજાઈ રહી છે. આજે કુલ છ તબક્કા માટે મતદાન સમાપ્ત થયું છે. હવે મતદાન માટે માત્ર બે જ તબક્કા બાકી છે. 26 મી એપ્રિલના રોજ સાતમા તબક્કા માટે અને 29 અને એપ્રિલના અંતિમ અને આઠમા તબક્કા માટે મતદાન થશે.


દેશમાં સતત વધી રહેલા કોરોના કેસની વચ્ચે ઘણા મોટા શહેરો અને રાજ્યોમાં ઓક્સિજનની ઉણપ ઊભી થઈ હોવાના કારણે ઘણા દર્દીઓને સમયસર સારવાર ન મળતા જીવ ગુમાવવો પડી રહ્યો હોવાના અહેવાલ આવી રહ્યા છે, આ બધાની વચ્ચે આજે દેશમાં ઓક્સિજનની સપ્લાયના મુદ્દે આજે પીએમ મોદી એક મહત્વની બેઠક કરી હતી. 


 


પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું કે આ બેઠકમાં કેબિનેટ સચિવ, પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ, ગૃહ સચિવ, સ્વાસ્થ્ય સચિવ સિવાય માર્ગ પરિવહન મંત્રાલય, મેડિકલ ક્ષેત્ર અને નીતિ આયોગના અધિકારીઓ સામેલ થયા હતા.


 


પીએમઓએ જણાવ્યું કે મેડિકલ ક્ષેત્રના પ્રતિનિધિઓએ ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન ઓક્સીજનના યોગ્ય ઉપયોગની આવશ્યકતા પર ભાર આપ્યો હતો. પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું કે રાજ્ય સરકારે સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.


 


દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,14,835 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2104 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,78,841 લોકો ઠીક પણ થયા છે.  અત્યાર સુધી કોઈ એક દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા દર્દીઓની આ સંખ્યા સૌથી વધુ છે. આ અગાઉ 8મી જાન્યુઆરીએ અમેરિકામાં 3 લાખ 7 હજાર લોકો પોઝિટિવ મળ્યા હતા. ભારતે આજે કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં વર્લ્ડ રેકોર્ડ તો બનાવી દીધો છે અને આગામી દિવસોમાં પણ આ રેકોર્ડ તૂટતો રહેશે.