કોલકાતા: ચૂંટણી તારીખોની જાહેરાત બાદ બંગાળની લડાઈ હવે બુઆ અને બેટી પર આવી ગઈ છે. બંગાળમાં ભાજપે મહિલા નેતાઓના પોસ્ટર જાહેર કરી કહ્યું બંગાળમાં બુઆ નહી બેટી ચાહિયે. જ્યારે ટીએમસીએ જવાબમાં કહ્યું બંગાળને પોતાની બેટી પસંદ છે.



બંગાળમાં બીજેપીએ પોતાની નવ મહિલા નેતાઓના પોસ્ટર જાહેર કરતા જણાવ્યું કે બંગાળને પોતાની દિકરી જોઈએ છે, બુઆ નથી જોઈતા. ભાજપે પોસ્ટરમાં બંગાળની નવ પાર્ટીની મહિલા નેતાઓના ચહેરા લગાવ્યા છે. જેમાં રૂપા ગાગુલી, દેબોશ્રી ચૌધરી, લોકેટ ચટર્જી, ભારતી ઘોષ, અગ્નિમિત્ર પોલ સામેલ છે. ભાજપે પોસ્ટરમાં લખ્યું, 'બંગાળ પોતાની બેટી ઈચ્છે છે, પિશી નહી.' પિશી બંગાળી શબ્દ છે જેનો ઉપયોગ પિતૃપક્ષ માટે કરવામાં આવે છે.

ટીએમસીએ મમતા બેનર્જીને બંગાળની બેટીના રૂપમાં ગણાવ્યા છે. હાલમાં જ ટીએમસીએ મમતાને બંગાળની બેટીના રૂપમાં દેખાડતા પોતાનું મુખ્ય અભિયાન બંગલા નિજેર મેયેકે ચૈયેની શરૂઆત કરી હતી.

ટીએમસીએ મમતાની તસવીર શેર કરતા લખ્યું હતું, તેમનું જીવન ન્યાય માટે સંઘર્ષરત રહ્યું છે. તેમની માનવતાએ બંગાળના દરેક વ્યક્તિના દિલ પર અસર કરી છે. તેમની સાદગી અને મિત્રતાએ તેને ઘરની દિકરી બનાવી છે. તેમના નેતૃત્વમાં બંગાળ પ્રગતિના પથ પર આગળ વધ્યું છે.