કોલકાતાઃ પેગાસસ જાસૂસી કેસમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તપાસ પંચની રચના કરવાના આદેશ આપ્યા છે. આ તપાસ પંચમાં બે રિટાયર્ડ જજ સામેલ છે, જે પશ્ચિ બંગાળમાં ફોન હેકિંગ, ટ્રેકિંગ અને ફોન રેકોર્ડિંગના આરોપની તપાસ કરશે. મમતાએ દિલ્હી જતા પહેલા જ કેબિનેટ બેઠકમાં આ નિર્ણય કર્યો છે. મમતાએ કહ્યું, ‘અમે ઇચ્છીએ છીએ કે પેગાસસ જાસૂસી કાંડની તપાસ માટે કેન્દ્ર તપાસ પંચ બનાવે, પરંતુ કેન્દ્ર સરકાર કંઈ નથી કરી રહી.’


મમતા બેનર્જી અનુસાર, તેમણે સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર સમક્ષ પેગાસસ મામલે તપાસની માગ કરી હતી, પરંતુ કેન્દ્ર સરકાર આ મુદ્દે કંઈ કરવા તૈયાર નથી. આ જ કારણ છે કે પશ્ચિમ મંબાળ જાસૂસી પર એક પંચની રચના કરવામાં આવી છે અને પશ્ચિમ બંગાળ આવું કરનાર પ્રથમ રાજ્ય છે. રિટાયર્ડ જસ્ટિસ એમબી લોકુર અને જ્યોતિર્મય ભટ્ટાચાર્ય આ પેગાસસ રિપોર્ટની તપાસ માટેના પેચમાં સામેલ હશે.


સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ મદન લોકુર પંચના અધ્યક્ષ હશે. જ્યારે કોલકાતા હાઈકોર્ટના પૂર્વ જજ જ્યોતિરમય ભટ્ટાચાર્ય બીજા સભ્ય હશે.


મમતા બેનર્જી દિલ્હી માટે રવાના થઈ રહ્યા છે. 28 જુલાઈના રોજ તેમની પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થવાની છે. દિલ્હી માટે રવાના થતા પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે મંત્રિમંડળની વિશેષ બેઠક બોલાવી હતી. સાંજે 5 કલાક સુધી મમતા દિલ્હી પહોંચશે. 29 જુલાઈ સુધી દિલ્હીમાં જ રહેશે. ત્યાં પોતાના પ્રવાસ દરમિયાન અનેક વિપક્ષી નેતાઓને પણ તેઓ મળશે.


મમતાએ કહ્યું કે, પેનલ તપાસ કરશે, “હેકિંગ કોણે કર્યું, તેમણે આ કેવી રીતે કર્યું અને લોકનો અવાજ શા માટે દબાવવામાં આવી રહ્યો હતો.” તેમણે કહ્યું કે, તપાસ પંચ અધિનિયમ અંતર્ગત પેનલની રચના કરવામાં આવી રહી છે. દિલ્હી જતા પહેલા કેબિનેટની બેઠકમાં હાલમાં જ આ નિર્ણય લેવામાં આવ્યો.