કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપ સરકાર લોકસભા સીટની સંખ્યા વધારવાનો પ્રસ્તાવ લાવવાની છે. તેમણે કહ્યું કે, જો આ પ્રસ્તાવ મુકવામાં આવશે તો પછી સામાન્ય લોકોનો મત પણ જાણવો જોઈએ. તેમણે એવો દાવો પણ કર્યો કે તેના માટે સંસદની નવી ચેમ્બર પણ તૈયાર કરવામાં આવી રહી છે. જ્યારે જાણકારોનું કહેવું છે કે નવી સંસદમાં વધારે સાંસદોને બેસવાની જગ્યા હશે અને નેતાઓની સંખ્યા વધી તો પણ જગ્યાની ઘટ નહીં પડે.
મનીષ તિવારીએ ટ્વીટ કર્યું, “મને ભાજપના પાર્લામેન્ટ્રી સભ્યએ વિશ્વસનીય જાણકારી આપી છે કે 2024 લોકસભા ચૂંટણી પહેલા લોકસભાની સંખ્યા 1000 અથવા તેનાથી વધારે કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવશે. જે નવી સંસદ બનાવવામાં આવી રહી છે, તેમાં પણ 1000 સભ્યોને બેસવાની ક્ષમતા રાખવામાં આવી છે. આ નિર્ણય લેવાય એ પહાલ સરકારે આ મુદ્દે ગંભીરતાથી જાહેરમાં ચર્ચા કરવી જોઈએ.”
કોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરે પણ કર્યું ટ્વીટ
મનીષ તિવારીના ટ્વીટ પર કોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમે પણ ટ્વીટ કર્યું. તેણે કહ્યું કે, આ મામલે જાહેરમાં ચર્ચાની જરૂરત છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, “આ મામલે જાહેરમાં ચર્ચાની જરૂરત છે. આપણા જેવા મોટા દેશના વધારે ચૂંટાયેલા પ્રતિનિધિની જરૂરિયાત છે. પરંતુ જો આ વધારો જનસંખ્યાના આધારે કરવામાં આવ્યો તે તેનાથી દક્ષિણા રાજ્યોનું પ્રતિનિધિત્વ ઘટી જશે. જે કોઈપણ રીતે સ્વીકાર્ય નથી.”