WB Panchayat Elections 2023 Re-Polling: પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં પંચાયત ચૂંટણીઓ માટે ફરીથી મતદાન થશે. રાજ્ય ચૂંટણી પંચે રવિવારે (9 જુલાઈ) કહ્યું કે પંચાયત ચૂંટણી માટે પુરુલિયા, બીરભૂમ, જલપાઈગુડી અને દક્ષિણ 24 પરગણામાં પુનઃ મતદાન યોજાશે. બંગાળ રાજ્ય ચૂંટણી પંચે સોમવારે (10 જુલાઈ) એ બૂથ પર ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો છે જ્યાં મતદાન અમાન્ય જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 604 બૂથનો સમાવેશ થાય છે જ્યાં પુન:મતદાન થશે. પશ્ચિમ બંગાળમાં જિલ્લા પરિષદો,પંચાયત સમિતિઓ અને ગ્રામ પંચાયતો માટે ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણી માટે શનિવારે મતદાન થયું હતું. આ દરમિયાન હિંસામાં 15 લોકોના મોત થયા છે.
ક્યા થશે ફરી મતદાન?
અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યાં પુનઃ મતદાનની જાહેરાત કરવામાં આવી હતી તે જિલ્લાઓમાં મુર્શિદાબાદમાં સૌથી વધુ 175 બૂથ છે, ત્યારબાદ માલદામાં 112 બૂથ છે. હિંસાગ્રસ્ત નાદિયામાં 89 બૂથ પર ફરીથી મતદાન યોજાશે, જ્યારે ઉત્તર અને દક્ષિણ 24 પરગણા જિલ્લાના 46 અને 36 બૂથ પર ફરીથી મતદાન યોજાશે. કુલ 604 બુથ પર મતદાન થવાનું છે.
પંચાયતની ચૂંટણી માટે શનિવારે મતદાન યોજાયું હતું
અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યની ત્રિ-સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા હેઠળ 73,887 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેના માટે 2.06 લાખ ઉમેદવારો મેદાનમાં હતા. અસ્થાઈ આંકડાઓ મુજબ, 66.28 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્ય ચૂંટણી પંચ (SEC) એ કહ્યું કે તેણે જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી પંચાયત ચૂંટણી દરમિયાન થયેલા મૃત્યુ અંગે વિગતવાર અહેવાલ માંગ્યો છે.
ભાજપે ચૂંટણી પંચ સામે પ્રદર્શન કર્યું
પંચાયત ચૂંટણીમાં થયેલી હિંસા સામે ભાજપના સમર્થકો રવિવારે કોલકાતામાં રાજ્ય ચૂંટણી પંચની ઓફિસ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ભાજપના કાર્યકરોએ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે કરાવવા માટે પંચની કથિત અસમર્થતા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. ચૂંટણી સંબંધિત મૃત્યુ માટે રાજ્ય ચૂંટણી કમિશનરને દોષી ઠેરવતા, ભાજપે શનિવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને રાજ્યમાં લોકશાહી પુનઃસ્થાપિત કરવામાં તેમની દરમિયાનગીરીની માંગ કરી હતી.
આ દરમિયાન, બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ રવિવારે નવી દિલ્હી ગયા છે. જ્યાં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળીને રાજ્યમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસા અંગેનો અહેવાલ આપે તેવી શક્યતા છે. અધિકારીએ જણાવ્યું કે સીવી બોઝ સોમવારે સવારે અમિત શાહને મળી શકે છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial