નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 1 સપ્ટેમ્બરથી લોકડાઉનમાં વધારે છૂટછાટો આપીને અનલોક 4 જાહેર કરવાની તૈયારીમાં લાગી છે ત્યારે અનલોક 4 દરમિયાન સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય કાર્યક્રમોને શરૂ કરવાની પણ મંજૂરી મળશે એવા અહેવાલ છે.


લોકડાઉન દરમિયાન પાંચ મહિનાથી બંધ આ કાર્યક્રમોને શરૂ કરવાની મંજૂરી ગૃહ મંત્રાલયે આપી હોવાનો દાવો કેન્દ્રીય પર્યટન મંત્રી પ્રહલાદ પટેલે કર્યો છે. દેશમાં 26 માર્ચથી લૉકડાઉન લાગુ થયા બાદ સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય કાર્યક્રમોપર પ્રતિબંધ લદાયો હતો.

કેન્દ્રીય પર્યટન મંત્રી પ્રહલાદ પટેલે જણાવ્યું કે, પર્યટન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કોરોનાના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા ક્ષેત્રો પૈકી એક છે. હોટલ ઉદ્યોગની આવકમાં મોટો ફાળો હોટલોમાં યોજાતી કોઇ પણ સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય કે કોર્પોરેટ ક્ષેત્રની મીટિંગ, કોન્ફરન્સ તથા એક્ઝિબિશન જેવા આયોજનોથી મળે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીને પત્ર લખીને સૂચન કરાયું છે કે હોટલ્સના બેન્ક્વેટ હૉલ, કોન્ફરન્સ રૂમમાં 50% ક્ષમતામાં લોકોને આમંત્રિત કરીને આયોજનની છૂટ આપવામાં આવે. આ અંગે ગૃહ સચિવ અજય ભલ્લા સાથે પણ વાત થઇ છે અને ભલ્લાએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે વાત કરી છે. તેઓ આ પ્રસ્તાવ અંગે સહમત છે. અનલૉક અંગેના નવા આદેશમાં આ બાબતો સમાવાય તેવી પૂરી આશા છે.