નવી દિલ્હીઃ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પાર્ટીના કેટલાક નેતાઓને તેમણે અધ્યક્ષ પદ છોડવાની સાથે નવા અધ્યક્ષની નિમણુક કરવાની વાત કરી છે. આજે યોજાનારી કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં આ મુદ્દો ઉઠી શકે છે.


કૉંગ્રેસની ઉચ્ચ સૂત્રોએ એબીપી ન્યૂઝને આ વાતની પુષ્ટી કરી કે સોનિયા ગાંધી પોતાના તરફથી પાર્ટીના કેટલાક નેતાઓને કહી દિધુ છે કે હવે તેઓ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ નથી રહેવા માંગતા. માનવામાં આવી રહ્યું છે કે આવતીકાલે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં તેઓ આ વાત કરી શકે છે.

સોનિયા ગાંધીના રાજીનામા બાદ આ પદ પર કોંગ્રેસના અન્ય કોઇ નેતાની પસંદગી કરવામાં આવી શકે છે. જોકે આ અંગે સત્તાવાર રીતે જાહેરાત નથી કરવામાં આવી. સોમવારે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાવા જઇ રહી છે જેમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે.

જે બેઠક યોજાવા જઇ રહી છે તેમાં પક્ષના સંગઠનોમાં મોટા ફેરફાર કરવા અંગે ચર્ચા કરવામાં આવશે. જોકે સંગઠનમાં ફેરફારની ચર્ચા ચાલી રહી છે ત્યારે પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદરસિંહે ગાંધી પરિવારને જે પડકારો પક્ષમાં આપવામાં આવી રહ્યા છે તેનો વિરોધ કર્યો હતો.

એવા પણ અહેવાલો છે કે કોંગ્રેસના 23 નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને પૂર્ણકાલિક એટલે કે કાયમી અધ્યક્ષ પદ માટે કોઇને પસંદ કરવામાં આવે તેવી માગણી કરી છે. બીજી તરફ કોંગ્રેસમાં બે ભાગલા જોવા મળી રહ્યા છે, અનેક નેતાઓ રાહુલ ગાંધીને પ્રમુખ પદ સોપવાની માગણી કરી રહ્યા છે. જ્યારે કેટલાક નેતાઓ એવા પણ છે કે જે સામુહિક નેતૃત્વની માગણી કરી રહ્યા છે.

એવા અહેવાલો છે કે સોમવારે રાહુલ ગાંધીને ફરી પક્ષના પ્રમુખ બનાવવા માટે વર્કિંગ કમિટીના નેતાઓ દબાણ કરશે. જોકે રાહુલ ગાંધીએ આ પદ સંભાળવાની ના પાડી દીધી છે અને કોઇ બિન કોંગ્રેસીને આ પદ સોપવામાં આવે તેમ કહ્યું છે. જેનું પ્રિયંકા ગાંધીએ પણ સમર્થન કર્યું છે. સોમવારે સવારે વીડિયો કોન્ફરન્સથી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાવા જઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે, ઘણા નેતાઓ એવા છે જે માંગ કરી રહ્યા છે કે સોનિયા ગાંધી પોતાનો આ નિર્ણય પરત લે અને અધ્યક્ષ પદ સંભાળે, જ્યાં સુધી નવા અધ્યક્ષની નિમણુક કરવામાં ન આવે.

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલએ રાહુલ ગાંધીને પત્ર લખીને બીજી વખત પાર્ટીની કમાન સંભાળવાની અપીલ કરી હતી. ભૂપેશ બધેલે કહ્યું કે અસહમતિઓથી વિચલિત થયા વગર રાહુલ ગાંધી કૉંગ્રેસનું નેતૃત્વ સંભાળે.