નવી દિલ્હીઃ દેશને કોરોનાથી બચાવવા મોદીએ  કરેલા લોકડાઉનની જાહેરાતને એક વર્ષ  થઈ ગયું છે. પરંતુ તે પછી પણ દેશમાં કોરોનાની સ્થિતિમાં સુધારો થયો નથી. 153 દિવસ બાદ રેકોર્ડ પ્રથમ વખત 53 હજારથી વધારે કોરોના કેસ આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 53 હજારથી વધુ કેસ નોધાયા હતા અને 251 લોકોના જીવ ગયા હતા. જોકે 26,409 લોકો કોરોનાથી ઠીક થયા છે. આ પહેલા 23 ઓક્ટોબર 2020ના રોજ 53,370 કોરોના કેસ નોંધાયા હતા.


ગુજરાત સહિત આ રાજ્યોની સ્થિતિ ચિંતાજનક


દેશમાં 5 કરોડ 31 લાખ લોકોથી વધુ લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે.  દેશના પાંચ રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસે ઉથલો માર્યો છે, જેમાં ગુજરાત પણ સામેલ છે.  આ સિવાય મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક અને મધ્યપ્રદેશ પણ સામેલ છે. મહારાષ્ટ્રની હાલત સૌથી ચિંતાજનક છે. બુધવારે સાંજે 8 વાગ્યે સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 31,855 નવા કેસ નોંધાયા છે અને 95 લોકોનાં મોત થયા છે. જ્યારે 15098 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.  મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 25,64,881 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને તેમાંથી 22,62,593 લોકો સાજા થયા છે અને 53,684 લોકોના મૃત્યુ થયા છે.


વધતા કોરોના વાયરસના કેસને પગલે અનેક રાજ્યોએ કડક પ્રતિબંધો લગાવ્યા છે. આવો જાણીએ ક્યા રાજ્યએ ક્યા અને કેવા પ્રતિબંધ લગાવ્યા.


મહારાષ્ટ્રમાં લોકડાઉન


મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રના મરાઠવાડાના પરભાણી વિસ્તારમાં 24 માર્ચથી 31 માર્ચ સુધી લોકડાઉન લગાવાવમાં આવ્યં છે. ઉપરાંત નાંદેડમાં પણ 25 માર્ચથી 4 એપ્રિલ સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ઉપરાંત રાજ્યના બીડ જિલ્લામાં પણ 26 માર્ચથી 4 એપ્રિલ સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ઉપરાંત ઔરંગાબાદમાં એપ્રિલ 4 સુધી રાત્રી કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. જેમાં રાત્રીના 8 કલાકથી સવારે 5 સુધી ધારા 144 લગાવવામાં આવી છે.


પંજાબમાં લોકડાઉન


પંજાબમાં પણ કોરોનાના કેસ વધવાને પગલે સરાકરે આકરા નિયંત્રણો મુક્યા છે. જેમાં 31 માર્ચ સુધી મેડિકલ અને નર્સિંગ કોલેજ સિવાયના તમામ શૈક્ષણિક કાર્ય બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે લગ્ન અને અગ્ની સંસ્કારમાં માત્ર 20 લોકોને ભેગા થવાની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે સિનેમા હોલમાં 50 ટકા ક્ષમતા સાથે કામ કરવાની મંજૂરી અને વધુમાં વધુ 10 લોકોને મોલમાં એકઠા થવાની મંજૂરી આપવામાં આવી છે.


મધ્ય પ્રદેશમાં લોકડાઉન


રાજ્યમાં ભોપાલ, ઇન્દોર અને જબલપુર બાદ હવે રતલામ, બેતુલ, છિંદવાડા અને ખારગાંવમાં પણ રવિવારે લોકડાઉન રહેશે. ઉપરાંત રાજ્યમાં આગામી તહેવારોમાં ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.


ગુજરાતમાં લોકડાઉન


ગુજરાતમાં ગયા સપ્તાહે રાત્રી કર્ફ્યુના સમયમાં બે કલાકનો વધારો કરવામાં આવ્યો હતો. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 9થી 6 સુધી કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. આ કર્ફ્યુ આગામી 31 માર્ચ સુધી લાગુ રહેશે. ઉપરાંત રાજ્યમાં ધૂળેટીની ઉજવણી પર પણ પ્રતિબંધ લગાવી દીધે છે અને હોળીના દિવસે હોલીકા દહનમાં વધારે લોકોને ભેગા ન થવા અપીલ કરી છે.


રાજસ્થાનમાં લોકડાઉન


રાજસ્થાનમાં પણ કોરોના વાયરસના કેસ વધતા કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. રાજસ્થાન સરાકેર અજમેર, ભિલવારા, જયપુર, જોધપુર, કોટા, ઉદયપુર, સાગવાડા (ડુંગરપુર) અને કુશલગર (બાંસવાડા)માં 22 માર્ચથી રાત્રી કર્ફ્યુ લગાવ્યું છે. જેમાં રાત્રીના 11થી સવારે 5 સુધી કર્ફ્યુ રહેશે. ઉપરાંત મોટા શહેરોમાં રાત્રે 10 કલાક પછી તમામ બજાર બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.