Parliament Special Session: કેન્દ્ર સરકાર દ્વારા સંસદનું વિશેષ સત્ર બોલાવવાના નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં વિવિધ અટકળોએ જોર પકડ્યું છે. ગુરુવારે (31 ઓગસ્ટ), સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ટ્વિટર પર લખ્યું કે આ વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે અને તેમાં પાંચ બેઠકો થશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર નવા સંસદભવનમાં યોજાનાર આ સત્રમાં 10થી વધુ બિલ રજૂ કરવામાં આવી શકે છે. આ સત્રમાં અમૃતકાલની ઉજવણી પર ચર્ચા થઈ શકે છે. સંસદીય કાર્ય મંત્રીએ પણ પોતાની પોસ્ટમાં આ તરફ ધ્યાન દોર્યું છે. તેમણે લખ્યું છે કે હું અમૃતકાલની વચ્ચે સંસદમાં અર્થપૂર્ણ ચર્ચાની રાહ જોઈ રહ્યો છું.
અધીર રંજન ચૌધરીએ શું કહ્યું?
કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ વિશેષ સત્ર બોલાવવા પર તીખી પ્રતિક્રિયા આપી છે. એબીપી ન્યૂઝ સાથે વાત કરતાં તેમણે કહ્યું, "એવી કેવા પ્રકારની કટોકટી ઊભી થઈ છે કે આ સત્ર બોલાવવું પડ્યું. ખબર નથી કે સરકારનો ઈરાદો શું છે. કદાચ પીએમ મોદી નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન કરવા માગે છે. અમને કોઈ સત્તાવાર માહિત આપવામાં આવી નથી. સરકાર પોતાની મરજી પ્રમાણે સંસદ ચલાવી રહી છે.
આ બિલો છે મહત્વપૂર્ણ
વિશેષ સત્ર બોલાવવા પર ચર્ચાનું બજાર ગરમ છે. યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) અને મહિલા આરક્ષણ સંબંધિત બિલને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બધાની વચ્ચે કલમ 370 પર સુનાવણી ચાલી રહી છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર એવી ચર્ચામાં પણ ચાલી રહી છે કે, સરકાર એક દેશ એક ચૂંટણી જેવો કાયદો લાવી શકે છે. જો કે, આ બધા અટકળો છે. સાચી માહિતી તો સત્ર શરુ થશે ત્યારે જ બહાર આવશે.
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી માટે સરકાર તૈયાર
સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે કે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો ક્યારે મળશે? કેન્દ્ર સરકારે આજે કહ્યું છે કે આ અંગે નિર્ણય લેવામાં આવશે. તેમજ જમ્મુ-કાશ્મીરની ચૂંટણીને લઈને કહ્યું છે કે અમે ચૂંટણી માટે તૈયાર છીએ.
વિપક્ષી નેતાઓએ આ આશંકા વ્યક્ત કરી હતી
સંસદનું વિશેષ સત્ર એવા સમયે બોલાવવામાં આવ્યું છે જ્યારે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ સિવાય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બિહારના સીએમ નીતિશ કુમાર, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન સહિત ઘણા વિપક્ષી નેતાઓએ સમય પહેલા લોકસભા ચૂંટણીનો ભય વ્યક્ત કર્યો છે.