પશ્ચિમ બંગાળ સરકારે મંગળવારે વિધાનસભામાં 'અપરાજિતા વિમેન એન્ડ ચિલ્ડ્રન બિલ 2024' પસાર કર્યું. આ બિલમાં બળાત્કાર અને હત્યાના દોષિતોને મૃત્યુદંડની જોગવાઈ છે. આ બિલ ભારતીય ન્યાયિક સંહિતા 2023, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા 2023 અને POCSO માં સુધારાની માંગ કરે છે. આવી સ્થિતિમાં, પશ્ચિમ બંગાળના આ નવા કાયદા અને POCSO વચ્ચે શું તફાવત છે તે જાણવું મહત્વપૂર્ણ છે.


આ બિલ હેઠળ દુષ્કર્મ અને હત્યાના મામલામાં દોષિતોને આજીવન કેદની સજા સંભળાવાશે. તેનો અર્થ એ છે કે તેમણે પોતાનું સમગ્ર જીવન જેલમાં પસાર કરવું પડશે. થોડા વર્ષો બાદ છોડવામાં આવશે નહીં. તેમાં આર્થિક દંડની પણ જોગવાઈ હશે. 


ચાર્જશીટ તૈયાર થયાના એક મહિનાની અંદર ચૂકાદો


બિલમાં દુષ્કર્મ સંબંધિત તપાસ પૂરી કરવાની સમય મર્યાદાને બે મહિનાથી ઘટાડીને 21 દિવસ કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. આ સિવાય આ પ્રકારના કેસમાં ચાર્જશીટ તૈયાર થયાના એક મહિનાની અંદર ચૂકાદો સંભળાવવાનું વચન પણ આપવામાં આવ્યુ છે. બિલમાં આવા કેસોમાં કોર્ટની કાર્યવાહી સંબંધિત કોઈ જાણકારી પ્રકાશિત કરે છે કે પીડિતાની ઓળખ ઉજાગર કરે છે તો તેને ત્રણથી પાંચ વર્ષ  સુધીની કેદની સજા થઈ શકે છે.


ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા જેમાં યૌન શોષણ, દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મ સંબંધિત કાયદા સામેલ છે. બંગાળના મામલે આમાં અમુક સુધારા લાવવામાં આવી રહ્યાં છે. માત્ર બંગાળના મામલે તાત્કાલિક સુનાવણી માટે અમુક કલમો જોડવામાં આવી રહી છે.


તપાસ ટીમને ખાસ સુવિધાઓ


ફાસ્ટ્રેક કોર્ટ અને વિશેષ તપાસ ટીમ બનાવવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. આ તપાસ ટીમને ખાસ સુવિધાઓ આપવામાં આવશે. ટ્રાયલ પ્રક્રિયા નક્કી સમયમાં પૂરી થવી જોઈએ. ગંભીર ગુનાના મામલે લઘુતમ 7 દિવસોની અંદર પૂરી કરવી જોઈએ. આ પહેલા એક મહિનાની હતી. જ્યારે મૂળ કાયદામાં એક વર્ષની અંદર સજા આપવાની હતી. મૂળ કાયદા અનુસાર પોલીસ સ્ટેશને કેસ નોંધ્યાના બે મહિનાની અંદર પોતાની તપાસ પૂરી કરવાની હતી. સુધારામાં તેને 21 દિવસની અંદર પૂરી કરવાની રહેશે.


દુષ્કર્મના મામલે દંડ અને આજીવન કેદ


જો કોઈ કેસ નોંધાય છે તો 21 દિવસની અંદર તપાસ પૂરી થઈ રહી નથી તો તેમાં 15 દિવસનો વધુ સમય આપવામાં આવી શકે છે. જોકે આ જિલ્લા પોલીસ અધિક્ષક કક્ષાના કોઈ વ્યક્તિને આપવો જોઈએ. દુષ્કર્મ માટે આજીવન કેદ અને દંડ કે મોતની સજા છે. સામૂહિક દુષ્કર્મના મામલે દંડ અને આજીવન કેદ અને મોતની જોગવાઈ છે. 


નવા કાયદા હેઠળ યૌન શોષણ માટે લઘુત્તમ સજા 3 વર્ષથી વધારીને 7 વર્ષ કરવામાં આવી છે. સજા 7 વર્ષથી 10 વર્ષ સુધીની હોઈ શકે છે અને તેની સાથે દંડ પણ થઈ શકે છે.


જ્યારે POCSO એક્ટની કલમ 8 હેઠળ, જાતીય હુમલાના ગુનેગારને ઓછામાં ઓછી 3 વર્ષની સજા થશે, જે 5 વર્ષ સુધી લંબાવી શકે છે અને દંડ પણ થઈ શકે છે.


નવા બિલ અનુસાર, બાળકના પુરાવા 7 દિવસમાં રેકોર્ડ કરવામાં આવશે, જ્યારે POCSOમાં આ સમય મર્યાદા 30 દિવસ છે. POCSO હેઠળ, ગુના વિશે માહિતી પ્રાપ્ત થયાના 30 દિવસની અંદર વિશેષ અદાલત દ્વારા બાળકના પુરાવા રેકોર્ડ કરવા આવશ્યક છે. જો વિલંબ થાય તો તેના કારણો કોર્ટમાં નોંધવાના રહેશે.


આ બિલ અનુસાર મહિલાઓની ઉત્પીડન અને બળાત્કારના મામલામાં સખત સજા આપવામાં આવશે. POCSO એક્ટની જોગવાઈઓ વધુ કડક કરવામાં આવી છે. બળાત્કારીઓ માટે મૃત્યુદંડની જોગવાઈ છે જો તેમની ક્રિયાઓ પીડિતાના મૃત્યુ અથવા મગજને ગંભીર નુકસાનમાં પરિણમે છે. બિલ મુજબ અપરાજિતા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. પ્રારંભિક અહેવાલના 21 દિવસની અંદર સજા આપવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે 120 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.