નવી દિલ્હી: રાફેલ યુદ્ધ વિમાન મામલો ભારતના જાણીતા બિઝનેસમેન અનિલ અંબાણીનો જાણે પીછો જ નથી છોડતો. હવે આ મામલે એક નવો જ વિવાદ ઉભો થયો છે. ફ્રાંસના સ્થાનિક મીડિયાએ અનિલ અંબાણી અને રાફેલ મામલે વધુ એક ખુલાસો કર્યો છે.


ફ્રાંસના સ્થાનીય મીડિયા અહેવાલ પ્રમાણે, ફ્રાંસના અધિકારીઓએ ટેક્ષ ચુકવવામાં અનિલ અંબાણીની મદદ કરી હતી. મીડિયા અહેવાલ પ્રમાણે અંબાણી પર 162.6 મિલિયન ડોલરનો ટેક્ષ બાકી હતો જેને અધિકારીઓએ ભારતના વડાપ્રધાનની મુલાકાત બાદ રદ્દ કરી દીધો હતો.

ફ્રાંસના રાષ્ટ્રીય ન્યુઝ પેપર લે મોંડે દાવો કર્યો છે કે, ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીની ફ્રાંસમાં સ્થિત ટેલિકોમ કંપનીનો 14 કરોડ યુરોનું દેવું રાફેલ ડીલની જાહેરાત બાદ માફ કરવામાં આવ્યું છે. જોકે રિલાયન્સ કોમ્યુનિકેશન્સે આ દાવાને ઠુકરાવ્યો છે. કંપનીનું કહેવું છે કે, ટેક્સ સાથે જોડાયેલા મામલાનું સમાધાન ફ્રાંસના કાયદાના આધારે કરવામાં આવ્યું છે.



કોંગ્રેસે આ ડીલમાં અનિયમિતતા હોવાનું કહીને સતત આરોપ લગાવી રહી છે. કોંગ્રેસનો આરોપ છે કે સરકાર દરેક એરક્રાફટ પર 1,670 કરોડ રૂપિયાની દલાલી કરી રહી છે, જ્યારે યુપીએ સરકારે આ માટે 526 કરોડ રૂપિયા નક્કી કર્યાં હતા. કોંગ્રેસ સરકાર પર અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સને દેસોલ્ટ એવિએશન માટે ઓફસેટ પાર્ટનર જાહેર કરવાનો પણ આરોપ લગાવી રહી છે. જોકે સરકારે આ આરોપને પણ નકારી દીધો હતો.



આ મામલે રિલાયન્સ કોમ્યુનિકેશને ફ્રાંસમા સમાચારપત્રના દાવાને લઈને પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. રિલાયન્સે આ દાવાને ફગાવી દીધો છે. આરકોમે કહ્યું છે કે, ટેક્ષ વિવાદનો એ કાયદાને અંતર્ગત ઉકેલલાવામાં આવ્યો હતો, જે ફ્રાંસમાં સંચાલિત તમામ કંપનીઓ માટે ઉપલબ્ધ છે.


આ મામલે સંરક્ષણ મંત્રાલયે પણ પ્રતિક્રિયા આપવા જણાવ્યું હતું કે, રાફેલ મામલો અને ટેક્ષને એક સાથે જોડવો એ અયોગ્ય બાબત છે. આ બાબત પક્ષપાતપૂર્વ હોવાની સાથોસાથ ગેરમાર્ગે દોરનારી પણ છે.