સુપ્રીમ કોર્ટે મંગળવારે તમામ સોશિયલ અને ઈલેક્ટ્રોનિક મીડિયા પ્લેટફોર્મને કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દુષ્કર્મ અને હત્યા કરવામાં આવેલી રેસિડેન્ટ મહિલા ડૉક્ટરનું નામ, ફોટા, વીડિયો અને અન્ય વિગતો હટાવવાનો આદેશ આપ્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને ન્યાયાધીશ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે કોલકાતાની હોસ્પિટલમાં ડૉક્ટર સાથે ક્રૂર દુષ્કર્મ અને હત્યા અંગેની સુઓમોટો સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો હતો.
પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ કોર્ટ મનાઇ હુકમ આપવા માટે મજબૂર છે કારણ કે "સોશિયલ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં મૃતકની ઓળખ અને તેના મૃતદેહની તસવીરો પ્રકાશિત કરવામાં આવી રહી છે. અમે નિર્દેશ આપીએ છીએ કે આ ઘટનામાં મૃતકની તમામ તસવીરો અને વીડિયોને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પરથી તાત્કાલિક હટાવવામાં આવે.
સર્વોચ્ચ અદાલતે પીડિતાનુ નામ જાહેર થવા પર ભારે નારાજગી અને ચિંતા વ્યક્ત કરી હતી. દુષ્કર્મ પીડિતાની પીડિતાની ઓળખ જાહેર કરનારને ભારત ન્યાય સંહિતા (BNS) હેઠળના કાયદામાં કેટલી સજાની જોગવાઇ છે તેની જાણકારી આપી આપવામાં આવી છે.
જાણો શું મળે છે સજા?
ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 72 આ વિશે વાત કરે છે. જો કોઈ વ્યક્તિ અથવા જૂથ કોઈ વ્યક્તિની ઓળખ જાહેર કરે છે, અથવા તેની તસવીરો છાપે છે, સોશિયલ મીડિયા પર અથવા ટીવી પર બતાવે છે, જેની સાથે દુષ્કર્મ થયું છે અથવા જેણે આ આરોપ લગાવ્યા હોય, એવા મામલામાં ઓળખ જાહેર કરનાર વ્યક્તિને કેટલાક મહિનાઓથી લઇને બે વર્ષ સુધીની કેદની સજા થઇ શકે છે. નોંધનીય છે BNSની કલમ 64 થી 71 સુધીના સેક્શનમાં મહિલાઓ અને બાળકો સાથે દુષ્કર્મ અને જાતીય સતામણી પર વાત કરવામાં આવી છે.
કાયદા હેઠળ ક્યારે અને ક્યાં છૂટ આપવામાં આવે છે
BNS ની કલમ 72 માં ઘણા અપવાદો છે, જ્યારે દુષ્કર્મ પીડિતાની ઓળખ જાહેર કરનાર વ્યક્તિને સજા કરવામાં આવતી નથી. આ કલમનો બીજો ભાગ કહે છે કે પીડિતાના મૃત્યુની ઘટનામાં તેની ઓળખ જાહેર કરી શકાય છે જ્યારે તેમ કરવું ખૂબ જરૂરી માનવામાં આવે. આ અંગે નિર્ણય લેવાનો અધિકાર પણ સેશન જજના સ્તરના અથવા તેની ઉપરના સ્તરના અધિકારીઓ પાસે છે.
સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે જો દુષ્કર્મ પીડિતા પુખ્ત છે અને પોતાની સ્વતંત્ર ઇચ્છા અને કોઈપણ દબાણ વિના પોતાની ઓળખ જાહેર કરવાનું નક્કી કરે છે, તો આ બાબતે કોઈને કોઈ વાંધો હોઈ શકે નહીં. પરંતુ આ નિર્ણય લેવાનો અધિકાર ફક્ત તેને જ છે.
યુપીના હાથરસ કેસમાં પણ કેટલાક લોકોએ પીડિતાની ઓળખ જાહેર કરી હતી. ત્યારે પણ કોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે મૃત્યુ પછી પણ પીડિતા કે તેના પરિવારની ગરિમા સાથે ચેડા કરી શકાય નહીં. જો તે ન્યાય મેળવવામાં મદદ કરે તો જ આવું થવું જોઈએ.
BNS ની કલમ 64-71 મહિલાઓ અને સગીરા વિરુદ્ધ દુષ્કર્મ અને જાતીય હુમલા સાથે સંબંધિત છે. ભારતમાં દુષ્કર્મનો ભોગ બનેલી વ્યક્તિની ઓળખ જાહેર કરનારને 2 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.
શું અદાલતો દુષ્કર્મ પીડિતાની ઓળખ જાહેર કરી શકે છે?
પીડિતાઓની ગોપનીયતા જાળવવા માટે સુપ્રીમ કોર્ટે સમયાંતરે ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટની આવશ્યકતાઓને પાછી લીધી છે. કિશોરો અને દુષ્કર્મ પીડિતાઓ સંકળાયેલા કેસોમાં તેમની ઓળખ છૂપાવવા માટે 'X' અથવા અન્ય સંક્ષેપનો ઉપયોગ કરીને સૂચિબદ્ધ કરવામાં આવે છે. બીએનએસ કલમ 72, જે અગાઉ ભારતીય દંડ સંહિતાની કલમ 228 A હતી. દુષ્કર્મ પીડિતાની ઓળખ અથવા અન્ય કોઈપણ વિગતો કે જે ઓળખને છતી કરી શકે તેના પ્રકાશન પર પ્રતિબંધ મૂકે છે. જો કે, કોર્ટ પર આવો કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો ન હતો.
જો કે, સુપ્રીમ કોર્ટે કર્ણાટક રાજ્ય વિરુદ્ધ પુટ્ટરાજા કેસમાં કહ્યું હતું કે જો અદાલતો તેના રેકોર્ડમાં પીડિતાનું નામ ન આપે તો તે 'યોગ્ય' રહેશે. જુલાઈ 2021ના આદેશમાં ટોચની અદાલતે ટ્રાયલ કોર્ટના ન્યાયાધીશોને તેમના આદેશોમાં જાતીય અપરાધના કેસોમાં પીડિતોની ઓળખ જાહેર ન કરવા જણાવ્યું હતું. પીડિતાની ગોપનીયતાનો આદર થવો જોઈએ એમ કહીને સર્વોચ્ચ અદાલતે એક સેશન્સ જજ દ્વારા આપવામાં આવેલા ચુકાદા પર આપત્તિ વ્યક્ત કરી હતી જેમાં પીડિતાના નામનો ઉલ્લેખ કરાયો હતો.
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તે સારી રીતે સ્થાપિત છે કે જાતીય હુમલાના કેસોમાં પીડિતાના નામનો ઉલ્લેખ કોઈપણ કાર્યવાહીમાં કરવો જોઇએ નહીં. તેમાં કહેવામાં આવ્યું છે કે અદાલતોએ ભવિષ્યમાં આવા કેસો સાથે કામ કરતી વખતે સાવચેત રહેવું જોઈએ.
તેના 2018ના ચુકાદામાંસર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, "...કોઈપણ વ્યક્તિ પીડિતનું નામ પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક, સોશિયલ મીડિયા વગેરેમાં છાપી કે પ્રકાશિત કરી શકતી નથી અથવા એટલે સુધી કે કોઇ પણ તથ્યનો ખુલાસો કરી શકતો નથી જેનાથી પીડિતાની ઓળખ જાહેર થઇ રહી હોયઅને જેનાથી તેની ઓળખનો ખુલાસો લોકોમાં થઇ જાય.